
ગુજરાતમાં CNGના ભાવમાં ₹5નો વધારો, હવે પ્રતિ કિલો ₹93.76 ચૂકવવા પડશે
Gujarat CNG Price Hike ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક આંચકો સામે આવ્યો છે. રાજ્યમાં CNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી દ્વારા પણ CNGના પ્રતિ કિલો ભાવમાં ₹5નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા ભાવ આજ મધરાતથી અમલી બનશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એનર્જીનો CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો ₹88.76 હતો. તેમાં ₹5નો વધારો થતાં હવે ગ્રાહકોએ એક કિલો CNG માટે ₹93.76 ચૂકવવા પડશે.
રિક્ષાચાલકો સહિત સામાન્ય નાગરિકો પર વધશે આર્થિક બોજ
CNGના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર રોજિંદા વાહનવ્યવહાર પર જોવા મળી શકે છે. ખાસ કરીને CNG આધારિત રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોના ખર્ચમાં વધારો થશે. આ ઉપરાંત રોજિંદી અવરજવર માટે CNG વાહનોનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ પણ ખોરવાઈ શકે છે.
પહેલેથી જ જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે CNGના ભાવવધારાને કારણે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી શકે છે.









