
દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરની ટક્કર, એકનું મોત; 7 શ્રદ્ધાળુઓ ઘાયલ
Dwarka Padyatri Accident દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા નીકળેલા શ્રદ્ધાળુઓના સંઘ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા નજીક એક આઇસર વાહન પદયાત્રીઓના સંઘમાં ઘૂસી જતાં એક પદયાત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, 65થી વધુ પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન કાનપરા નજીક પૂરઝડપે આવી રહેલા આઇસર વાહને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે પદયાત્રીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
અકસ્મતમાં ઘાયલ થયેલા સાત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પદયાત્રા દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી ફેલાઈ છે.









