
ભુજપુરની ભેદા હોસ્પિટલ ફરી ધમધમતી થઈ, દર્દીઓને 30 નવેમ્બર સુધી નિઃશુલ્ક નિદાનનો લાભ
Bhujpur News કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે આવેલી સેવા સમાજ સંચાલિત ભેદા હોસ્પિટલ ફરીથી કાર્યરત બની છે. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીએ હોસ્પિટલના સંચાલનની જવાબદારી સંભાળતાં સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળવાનો માર્ગ ખુલ્યો છે.
છેલ્લાં 34 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા આ હોસ્પિટલમાં વિવિધ તબીબી સેવાઓ શરૂ કરવામાં આવી છે. સોસાયટીના ચેરમેન કિરણકુમાર વાડીલાલ સંઘવી અને ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે આ અંગે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, 30 નવેમ્બર 2026 સુધી હોસ્પિટલમાં આવતા દર્દીઓનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવશે. હોસ્પિટલમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ડોક્ટરની સેવા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત દવાઓ અને લેબોરેટરી તપાસમાં દર્દીઓને 20 ટકા રાહત આપવામાં આવશે.
ડિસેમ્બર મહિનાથી વિવિધ રોગોની સારવાર માટે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવાઓ પણ રાહતદરે શરૂ કરવાની યોજના છે. સાથે જ આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે રાહતદરે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભેદા હોસ્પિટલ ફરી કાર્યરત થતાં ભુજપુર અને આસપાસના વિસ્તારના લોકોને સ્થાનિક સ્તરે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખાસ કરીને રાહતદરે મળતી સેવાઓથી જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક રીતે મદદરૂપ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.








