
ભરૂચના ઝઘડિયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, હાઇવા નીચે કચડાતાં યુવક-યુવતીનાં કરુણ મોત
Bharuch Jhagadia Chowk Accident ભરૂચ જિલ્લાના ઝઘડિયા ચોકડી વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવા ટ્રક અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં યુવક અને યુવતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનચાલકો ટ્રકનાં પૈડાં નીચે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ઝઘડિયા ચોકડી પરથી પસાર થઈ રહેલા હાઇવા ટ્રક અને એક્ટિવા વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર બાદ એક્ટિવા પર સવાર યુવક અને યુવતી ટ્રકની અડફેટે આવી ગયાં હતાં. કમનસીબે બંનેને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઉમટ્યાં
અકસ્મતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતનું દૃશ્ય જોઈને લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ઘટનાને પગલે ચોકડી વિસ્તારમાં વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને ટ્રકનાં પૈડાં નીચે ફસાયેલા મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ જોવા મળ્યો હતો
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો








