
માંડવીમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું બે દિવસીય સ્નેહમિલન યોજાયું
Mandvi News કચ્છના માંડવી ખાતે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે બે દિવસીય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માંડવી શહેર સહિત બહારગામ વસતા જ્ઞાતિજનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રથમ દિવસે તા. 21 નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે શ્રી રાજપૂત સમાજવાડી ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગનું આચાર્યપદ સુમીતભાઈ પ્રભુલાલ ત્રિવેદીએ સંભાળ્યું હતું. ત્યારબાદ રાત્રે 10 કલાકે કૈલાશભાઈ ઓઝા દ્વારા સંગીતમય કરાઓકે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
બીજા દિવસે સવારે 9:30 કલાકે શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે જ્ઞાતિજનો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 10 કલાકે જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કિશનભાઈ કે. ઓઝાએ ઉપસ્થિત મહેમાનો અને જ્ઞાતિજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના યજમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જ્ઞાતિ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને બે દિવસીય કાર્યક્રમની વિગતો મંત્રી કેતનભાઈ ઓઝાએ રજૂ કરી હતી. તેમણે સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી સ્નેહમિલનના હેતુ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ સુરેશભાઈ દવે, અજીતભાઈ ત્રિવેદી, મયુર ત્રિવેદી અને કૈલાશભાઈ ઓઝાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીએ સમાજના વડીલોનું સ્મરણ કરી જ્ઞાતિના વિકાસ અને સંગઠન અંગે ચર્ચા કરી હતી. તેમણે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ઐતિહાસિક મૂળ સાથે જોડાયેલા શ્રીમાળ નગર (ભીનમાલ) વિશે પણ માહિતી આપી હતી. અંતમાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી કેતનભાઈ ઓઝા, કિશનભાઈ કે. ઓઝા, તુષારભાઈ વ્યાસ, મયુર ત્રિવેદી, મનીષ ત્રિવેદી, પ્રિયંક ઓઝા, પ્રતિક ઓઝા, કલ્પેશ ત્રિવેદી, વિનોદભાઈ ત્રિવેદી સહિત જ્ઞાતિના સભ્યોએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. કાર્યક્રમની આભારવિધિ તુષારભાઈ વ્યાસે કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સત્યમ ઓઝાએ કર્યું હતું.








