
માંડવી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતથી નાગરિકો પરેશાન, પૂરતી ભરતી કરવાની માંગ
Mandvi news કચ્છના દરિયાકાંઠે આવેલા માંડવી શહેરમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓની અછતને કારણે નાગરિકોને dમુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 65 હજારથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં હાલમાં માત્ર એક જ પોસ્ટ ઓફિસ કાર્યરત હોવાથી અને તેમાં પણ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે પોસ્ટ ઓફિસની કામગીરી પર વધારાનું ભારણ ઊભું થયું છે.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદ દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાએ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક પૂરતા કર્મચારીઓની નિમણૂક કરવાની માંગ કરી છે.
ત્રણ પોસ્ટ ઓફિસમાંથી હવે માત્ર એક જ કાર્યરત
પરિષદના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં માંડવી શહેરમાં ત્રણ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. જોકે સમય જતાં વિવિધ કારણોસર બે પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, અગાઉ હેડ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખાતી કચેરીનો દરજ્જો પણ ઘટાડીને મુખ્ય પોસ્ટ ઓફિસ તરીકે કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
મંજૂર મહેકમ સામે અડધાથી પણ ઓછો સ્ટાફ હાલનીપોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની સ્થિતિ ચિંતાજનક હોવાનું પરિષદે જણાવ્યું છે. પોસ્ટમાસ્ટર સહિત કુલ 8 કર્મચારીઓના મંજૂર મહેકમ સામે હાલમાં માત્ર ચાર કર્મચારીઓ જ ઉપલબ્ધ છે. તેમાં પણ એક ક્લાર્કને ડેપ્યુટેશન પર અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે.
નાણાકીય વ્યવહારો અને બચત યોજનાઓમાં રોકાણ માટે માત્ર એક જ કાઉન્ટર ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને રાહ જોવી પડે છે. બીજી તરફ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના મંજૂર પાંચ પદ સામે ત્રણ કર્મચારીઓ જ કાર્યરત છે. જ્યારે છ પોસ્ટમેનની જરૂરિયાત સામે હાલમાં માત્ર ચાર પોસ્ટમેન ફરજ બજાવી રહ્યા છે.
14 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની જવાબદારી પણ માંડવી સાથે જોડાયેલી
માંડવી મુખ્ય પોસ્ટ ઓફિસ હેઠળ 14 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરી પણ સંકળાયેલી છે. શહેરમાં પોસ્ટ વિભાગની બચત યોજનાઓ અને અન્ય સેવાઓનો લાભ લેતા લોકોની સંખ્યા નોંધપાત્ર છે. નાગરિકોનો પોસ્ટ ઓફિસ પ્રત્યે વિશ્વાસ હોવાથી અહીં વિવિધ પ્રકારનાં ખાતાં અને રોકાણ પણ થાય છે.
સમયાંતરે નવા ખાતાં ખોલવાની ઝુંબેશ સહિતની કામગીરી પણ કરવામાં આવે છે. આટલી બધી જવાબદારીઓ વચ્ચે મર્યાદિત કર્મચારીઓ દ્વારા કામગીરી સંભાળવી મુશ્કેલ બની રહી છે. જોકે ઉપલબ્ધ સ્ટાફ પોતાની ક્ષમતા મુજબ કામગીરી સારી રીતે કરી રહ્યો હોવાનું પણ પરિષદે સ્વીકાર્યું છે.
પોસ્ટ વિભાગ સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડયા અને લિનેશભાઈ શાહ તથા ખજાનચી ભરતભાઈ કપ્ટાએ પોસ્ટ વિભાગ સમક્ષ શહેરની જરૂરિયાત મુજબ કર્મચારીઓની ઘટ તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે.
65 હજારથી વધુ વસ્તી ધરાવતા માંડવી શહેરમાં એકમાત્ર પોસ્ટ ઓફિસ પર વધતી કામગીરીને ધ્યાનમાં રાખીને પૂરતો સ્ટાફ ફાળવવો જરૂરી બન્યો છે. હવે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને માંડવીના નાગરિકોને ક્યારે પૂરતી સુવિધા મળે છે તેના પર સૌની નજર છે.









