માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું, પુનિતભાઈ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી

Share:

માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું, પુનિતભાઈ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી

MandviNews કચ્છના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. માંડવી શહેરની જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-3ના HTAT આચાર્ય પુનિતભાઈ હરિલાલ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની આ સિદ્ધિથી શાળા પરિવાર સહિત સમગ્ર શિક્ષણજગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

 

પુનિતભાઈ વાસાણીની શૈક્ષણિક અને સેવાકીય સફરની શરૂઆત 30 માર્ચ, 2007ના રોજ થઈ હતી. તેઓ અબડાસા તાલુકાની ડુમરા કન્યાશાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજમાં જોડાયા હતા. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2012ના રોજ બદલી મેળવીને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-3માં HTAT આચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી.

નોકરીની જવાબદારીઓ નિભાવવાની સાથે તેમણે ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ ચાલુ રાખી હતી. તેમની સતત મહેનત અને દૃઢ નિશ્ચયના પરિણામે વર્ષ 2019માં GPSCની મુશ્કેલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. શિક્ષક તરીકેની ફરજ સાથે કારકિર્દીમાં આગળ વધવાની તેમની આ સફર અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

તેમના ગુરુ તથા શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે પુનિતભાઈની આ સિદ્ધિને બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ એ ઉક્તિને પુનિતભાઈએ પોતાની મહેનત અને કાર્યક્ષમતા દ્વારા સાર્થક કરી છે. દિનેશભાઈ શાહ શિક્ષણવિદ્ હોવા ઉપરાંત રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ જાણીતા છે.

ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બર, 2026ના રોજ પુનિતભાઈ વાસાણીને માંડવી તાલુકાના ગઢશીશા બીટના જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતીનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર પાસેથી તેમણે બઢતીનો હુકમ સ્વીકાર્યો હતો.

પુનિતભાઈની આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષણવિદ્ અને SMCના સભ્ય દિનેશભાઈ શાહ, ઉપાચાર્ય મનુભા જાડેજા, સમગ્ર શાળા પરિવાર, SMCનાં અધ્યક્ષ કુંજલબેન શાહ તથા SMC પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

એક સામાન્ય શિક્ષક તરીકે શરૂ થયેલી સફરથી લઈને જિલ્લા કક્ષાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સુધી પહોંચેલા પુનિતભાઈ વાસાણીની સફળતા એ વાતનું ઉદાહરણ છે કે સતત અભ્યાસ, મહેનત અને નિષ્ઠાથી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ ક્ષેત્રોમાંથી પણ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें