ભુજના સ્મૃતિવનની મુલાકાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, ભૂકંપના દિવંગતોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

Share:

ભુજના સ્મૃતિવનની મુલાકાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, ભૂકંપના દિવંગતોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

Smrutivan Museum Bhuj કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહે ભુજ સ્થિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિવનની વિવિધ ગેલેરીઓનું નિરીક્ષણ કરીને તેમણે કચ્છના ઇતિહાસ, ભૂકંપની અસર અને આપદા બાદ થયેલા પુનર્નિર્માણની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.

 

સ્મૃતિવનની ગેલેરીઓમાં કચ્છના ઇતિહાસની ઝલક નિહાળી

 

મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ મ્યુઝિયમની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. અહીં પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ, માનવ સભ્યતાના વિકાસ અને કુદરતી આપત્તિઓ વિશેની માહિતી રજૂ કરવામાં આવી છે. તેમણે પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ સાથે જોડાયેલા અવશેષો, ઐતિહાસિક વસાહતો તેમજ ભૂકંપની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવતા ચાર્ટ અને મોડેલ્સનું નિરીક્ષણ કર્યું હતું.

 

ભૂકંપના અનુભવ માટે બનાવેલા સિમ્યુલેટરની મુલાકાત

સ્મૃતિવન મ્યુઝિયમનું વિશેષ આકર્ષણ ગણાતા ભૂકંપ સિમ્યુલેટરમાં પણ કેન્દ્રીય મંત્રીએ અનુભવ લીધો હતો. આ વિશેષ વ્યવસ્થા દ્વારા મુલાકાતીઓને ભૂકંપ દરમિયાન અનુભવાતી પરિસ્થિતિનો વાસ્તવિક અનુભવ કરાવવામાં આવે છે. મંત્રીએ આ સિમ્યુલેટર દ્વારા કાલ્પનિક ભૂકંપનો અનુભવ કરીને તેની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.

કચ્છના પુનર્નિર્માણની ગાથાથી પ્રભાવિત

વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છે કેવી રીતે ફરીથી વિકાસની દિશામાં આગેકૂચ કરી અને જનજીવનને ફરી ધબકતું બનાવ્યું તેની વિગતો પણ તેમણે જાણી હતી. મ્યુઝિયમમાં રજૂ કરવામાં આવેલી આપદા વ્યવસ્થાપન, પુનર્વસન અને કચ્છના પુનર્નિર્માણની સફર વિશેની માહિતીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાતના અંતે કેન્દ્રીય મંત્રીએ સ્મૃતિવનની અંતિમ ગેલેરીમાં પહોંચીને ભૂકંપમાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્મૃતિવન માત્ર ભૂકંપની યાદોને સાચવતું મ્યુઝિયમ નથી, પરંતુ કચ્છની સંઘર્ષશીલતા, હિંમત અને ફરી બેઠા થવાની શક્તિની પ્રેરણાદાયી ગાથા પણ રજૂ કરે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें