
કચ્છની હસ્તકલાને મળશે વૈશ્વિક ઓળખ, 5 વર્ષમાં એક લાખ ઘરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય: કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહ
Kutch Handicraft News કચ્છની પરંપરાગત હસ્તકલા અને હાથવણાટને નવી ઊંચાઈએ લઈ જવાના હેતુથી કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે અજરખપુર અને ભુજોડીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની કુશળતાની સરાહના કરી હતી. સાથે જ કચ્છની પરંપરાગત કલાને રોજગારી સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી
અજરખપુરમાં અજરખ પ્રિન્ટિંગની પ્રક્રિયા નિહાળી
કચ્છ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી સૌપ્રથમ અજરખપુર પહોંચ્યા હતા. અહીં તેમણે નેશનલ એવોર્ડ વિજેતા અજરખ કારીગર ઇસ્માઈલ ખત્રીના વર્કશોપની મુલાકાત લીધી હતી. તેમણે પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગની વિવિધ પ્રક્રિયાઓ જાણી હતી. અજરખ કલાને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ ઓળખ મળે તે માટે આધુનિક ટેક્નોલોજી અને નવીન ડિઝાઇનના ઉપયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
આ ઉપરાંત હસ્તકલા ક્લસ્ટરમાં પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવેલા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતા. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.
LLDC મ્યુઝિયમમાં કચ્છની સંસ્કૃતિ નિહાળી
અજરખપુર સ્થિત LLDC ક્રાફ્ટ અને મ્યુઝિક મ્યુઝિયમની મુલાકાત દરમિયાન મંત્રીએ કચ્છની પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને લોકસંસ્કૃતિ સાથે જોડાયેલા વિવિધ નમૂનાઓનું નિરીક્ષણ કર્યું હતું. કચ્છની સમૃદ્ધ કલા અને પરંપરાને એક જ સ્થળે નિહાળીને તેઓ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ ભારતીય હસ્તશિલ્પ દ્વારા આયોજિત ‘શિલ્પ સંવાદ’ કાર્યક્રમમાં તેમણે કારીગરો, ડિઝાઇનર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. કારીગરોએ પોતાની સમસ્યાઓ અને જરૂરિયાતો રજૂ કરી હતી. મંત્રીએ હસ્તકલા ક્ષેત્રના વિકાસ માટે સરકાર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એક લાખ ઘરો સુધી પહોંચશે કચ્છની હસ્તકલા
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં કચ્છની હેન્ડલૂમ અને હસ્તકલાને એક લાખ ઘરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને પરંપરાગત કારીગરી સાથે જોડીને તેમના માટે આવકના નવા માર્ગો ઊભા કરવામાં આવશે.
આ માટે કારીગરોને જરૂરી તાલીમ, સાધનો, કાચા માલની ખરીદી અને તૈયાર ઉત્પાદનોના માર્કેટિંગ માટે આયોજન કરવામાં આવશે. ઘરેથી જ કારીગરી કરીને લોકો સારી રોજગારી મેળવી શકે તે માટે સ્થાનિક કારીગરો અને નિષ્ણાતોને જોડીને વ્યવસ્થિત ઇકોસિસ્ટમ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ પણ કચ્છની પરંપરાગત કળાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા જિલ્લા સ્તરે આયોજન કરવાની ખાતરી આપી હતી. એક લાખ ઘરો સુધી હસ્તકલાની તાલીમ પહોંચાડવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
ભુજોડીના વણકર પરિવારની કલાને બિરદા
અજરખપુર બાદ કેન્દ્રીય મંત્રીએ હેન્ડલૂમ માટે જાણીતા ભુજોડી ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ એવોર્ડ વિજેતા ચમનભાઈ પ્રેમજી સીજુ અને તેમના પરિવારના કારીગરો સાથે મુલાકાત કરી હતી.
તેમણે પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી પરંપરાગત હાથવણાટની શાલ, હેન્ડલૂમ સાડી, સ્ટોલ સહિતની વિવિધ કૃતિઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પરિવારની મહિલા કારીગરો સાથે વાતચીત કરીને વણાટની પદ્ધતિ, કલાત્મક ડિઝાઇન અને આ કૃતિઓ પાછળની મહેનત વિશે જાણકારી મેળવી હતી
કારીગરોની આવક અને ઉત્પાદનોના વેચાણમાં વધારો થાય તે માટે મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. હસ્તકલા ક્ષેત્રના વિકાસ માટે સરકાર કારીગરોની સાથે હોવાની ખાતરી પણ આપી હતી.
આ મુલાકાત દરમિયાન NIFDના ડિરેક્ટર સંજય સુદ, ધવલ આચાર્ય સહિત વસ્ત્ર મંત્રાલયના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છની અજરખ પ્રિન્ટ, હાથવણાટ અને અન્ય પરંપરાગત કળાઓને દેશ–વિદેશમાં નવી ઓળખ અપાવવા તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવા માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.









