
મધ્યપ્રદેશના રાષ્ટ્રીય લોક મહોત્સવમાં ગુંજશે કચ્છી લોકનૃત્ય, પૂર્વી કલા કેન્દ્રની દીકરીઓની પસંદગી
Kutchi Folk Dance, કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકકળાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની વધુ એક તક મળી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ગાંધીનગર કચેરી દ્વારા ભુજના પૂર્વી કલા કેન્દ્રની દીકરીઓની મધ્યપ્રદેશમાં કચ્છી લોકનૃત્યની પ્રસ્તુતિ માટે પસંદગી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના સાગર ખાતે તા. ૧૪ અને ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય ‘બુંદેલી રાષ્ટ્રીય લોક મહોત્સવ’ યોજાનાર છે. આ મહોત્સવમાં પૂર્વી કલા કેન્દ્રના કલાકારો કચ્છની આગવી લોકસંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યકલાની ઝલક રજૂ કરશે.
આ કચ્છી લોકનૃત્યની કોરિયોગ્રાફી ગુજરાત રાજ્ય એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શૈલેષકુમાર એચ. સિંધલે તૈયાર કરી છે. જ્યારે શ્રીમતી ભાવનાબેન એસ. સિંધલે કલાકારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
આ રાષ્ટ્રીય મહોત્સવમાં ભુજના પૂર્વી કલા કેન્દ્ર તરફથી પૂર્વીબા સિંધલ, રિયાબા સિંધલ, નંદનીબા સિંધલ, હિરલ ગઢવી, હેતવી ગઢવી, ભગવતી ગઢવી, સીતા રબારી, મીરા રબારી, જસુ રબારી, હિરલ ચૌધરી અને અનિરુધ સિંધલ કચ્છી લોકનૃત્યની પ્રસ્તુતિ કરશે.
કચ્છની દીકરીઓને રાષ્ટ્રીય મંચ પર પોતાની કલા રજૂ કરવાની તક મળતાં કલા જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ કલાકારો પોતાની નૃત્યકલા દ્વારા કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને લોકવારસાને મધ્યપ્રદેશ સુધી પહોંચાડી કચ્છનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ માંડવીના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.









