
દરશડી અને મમાયમોરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Mandvi News સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી પરમ પૂજ્ય નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબની પ્રેરણાથી માંડવી તાલુકાની દરશડી અને મમાયમોરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ દરશડી ગામે ચાતુર્માસાર્થે બિરાજમાન પ.પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ.સા. તથા તેમના શિષ્ય પ.પૂ. ઓજસમુનિ ‘મંગલ’ મ.સા.એ બંને શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યસનના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યોએ જૈન સંતોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહારાજ સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા સહિતનાં વિવિધ વ્યસનોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. સાથે જ જીવનમાં સારા સંસ્કાર, સ્વસ્થ આદતો અને વ્યસનથી દૂર રહેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ જીવનભર કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે બંને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ભેટ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમની માહિતી વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ શાહે આપી હતી. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.









