
અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધાં
Ahmedabad Naroda News: શહેરના નરોડા વિસ્તારમાં નશામાં વાહન ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાત્રે દારૂના નશામાં હોવાનું કહેવાતો એક કારચાલક બેફામ રીતે કાર હંકારી રસ્તા પર નીકળ્યો હતો. આ દરમિયાન તેણે અનેક વાહનોને અડફેટે લેતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, કારચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી પેટ્રોલ પંપ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલી ગાડીઓ સાથે જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં એક બાઈકચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ કારચાલકને પકડી લીધો હતો અને ત્યારબાદ તેને કે ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો.
પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતમાં થયેલા નુકસાન અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









