
UAEમાં 23 વાહનોની એકસાથે ટક્કર, 14નાં મોત; 4 ભારતીયોએ ગુમાવ્યો જીવ
UAE સંયુક્ત આરબ અમીરાત (UAE)માં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કુજૈરાહ વિસ્તારમાં આવેલા શેખ ખલીફા બિન જાયદ રોડ પર એકસાથે 23 વાહનો અથડાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષીય કિશોર પણ સામેલ
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાં ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપરાંત ગુજરાતનો 13 વર્ષીય આતિફ મન્સૂર પણ સામેલ છે. આતિફ પરિવાર સાથે રજાઓ ગાળવા માટે UAE ગયો હતો. આ દુર્ઘટનાને કારણે તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
સાત ભારતીયો સારવાર હેઠળ
અકસમાતમાં ઘાયલ થયેલા 30 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેઓ હાલ તબીબી સારવાર લઈ રહ્યા છે. એકસાથે અનેક વાહનોની ટક્કરથી સર્જાયેલી આ દુર્ઘટનાએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે.









