
ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધવો BNS કલમ 69 હેઠળ ગુનો
Gujarat High Court BNS 69 લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ કાનૂની નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ યુવક શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો ન ધરાવતો હોય અને તેમ છતાં લગ્નની ખોટી ખાતરી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 હેઠળ ગુનો નોંધાઈ શકે છે.
આ મામલે આરોપી યુવકે તેની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, જસ્ટિસ ઠક્કરે આરોપીની આ અરજી ફગાવી દીધી હતી.
લગ્નના ખોટા વચનને છેતરપિંડી ગણાવ્યું
કોર્ટની નોંધ મુજબ, લગ્ન કરવાના કોઈ ઇરાદા વિના માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે લગ્નનું વચન આપવું કાયદાની દૃષ્ટિએ ગંભીર બાબત છે. જો શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો ન હોય અને ખોટી ખાતરીના આધારે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોય, તો તે BNSની કલમ 69 હેઠળ ગુનાની શ્રેણીમાં આવી શકે છે.
FIR રદ કરવાની અરજી ફગાવાઈ
આ કેસમાં હાઈકોર્ટે આરોપીની FIR રદ કરવાની માગણી સ્વીકારી નહોતી. પરિણામે કેસની તપાસ અને આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.
આ ચુકાદો લગ્નના ખોટા વચનના આધારે શારીરિક સંબંધ બાંધવાના આરોપો અંગે કાયદાકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.









