
અમદાવાદમાં વધ્યું વાયુ પ્રદૂષણ, એરપોર્ટ વિસ્તારમાં AQI 222 સાથે ઓરેન્જ એલર્ટ
Ahmedabad Air Pollution શહેરમાં હવાની ગુણવત્તા સતત ચિંતાનો વિષય બની રહી છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 100ને પાર પહોંચ્યો છે. SAFAR દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરનો સરેરાશ PM10 AQI 156 નોંધાયો છે.
એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ
શહેરના વિવિધ વિસ્તારોની સરખામણીએ એરપોર્ટ વિસ્તારમાં હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ નોંધાઈ છે. અહીં AQI 222 સુધી પહોંચતાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ગ્યાસપુરમાં 178, રખિયાલમાં 151, રાયખડમાં 148 અને ચાંદખેડામાં 129 AQI નોંધાયો છે.
તમામ મોનિટરિંગ સ્ટેશનો પર AQI 100થી વધુ
અમદાવાદના તમામ હવા ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનો પર AQI 100થી વધુ નોંધાયો છે. આ આંકડા શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત તકલીફ ધરાવતા લોકોએ પ્રદૂષિત હવામાં લાંબો સમય રહેવાનું ટાળવું જોઈએ.
શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નાગરિકોએ હવાની ગુણવત્તા અંગેની સૂચનાઓનું પાલન કરવું અને જરૂરિયાત મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.









