
અણુવ્રત સમિતિ ભુજને વર્ષ ૨૦૨૬-૨૭ માટે અણુવિભાની સત્તાવાર સંબંધિતતા પ્રાપ્ત
Anuvrat Samiti Bhuj નૈતિકતા, માનવતા અને ચારિત્ર્ય નિર્માણના રાષ્ટ્રીય અભિયાનમાં ભુજ સમિતિને વધુ એક ગૌરવપૂર્ણ માન્યતા
અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી (અણુવિભા), રાજસમંદ–રાજસ્થાન દ્વારા અણુવ્રત સમિતિ, ભુજને વર્ષ ૨૦૨૬-૨૭ માટે સત્તાવાર સંબંધિતતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર ક્રમાંક અણુવિભા/૩૬૭ સાથે પ્રાપ્ત થયેલી આ માન્યતા ભુજ સમિતિ માટે ગૌરવ અને પ્રેરણારૂપ બની છે.
અણુવ્રત આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નૈતિક મૂલ્યો, અહિંસા, સંયમ, પ્રમાણિકતા, વ્યસનમુક્તિ, માનવતા અને સામાજિક સમરસતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે. કોઈ એક ધર્મ કે સંપ્રદાય પૂરતું મર્યાદિત ન રહેતાં સમગ્ર માનવજાતને નૈતિક જીવન જીવવાનો સંદેશ આપતું આ અભિયાન વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ દ્વારા સ્વસ્થ સમાજની રચનાનો સંકલ્પ ધરાવે છે.
અણુવિભાના અધ્યક્ષ શ્રી પ્રતાપસિંહ દુગડ તથા મહામંત્રી શ્રી મનોજ સિંઘવીની સહી સાથે પ્રાપ્ત થયેલું આ પ્રમાણપત્ર ભુજ સમિતિની સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓને નવી દિશા અને પ્રેરણા આપશે. સમિતિ દ્વારા બાળકો અને યુવાનોમાં નૈતિક સંસ્કારોનું સિંચન, વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, અહિંસા અને માનવીય મૂલ્યોના પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રસંગે અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય શ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ અણુવિભાના રાષ્ટ્રીય હોદ્દેદારો અને માર્ગદર્શક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંબંધિતતા માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ સમાજમાં નૈતિકતા, માનવતા અને ચારિત્ર્ય નિર્માણના કાર્યને વધુ વેગ આપવાની નવી જવાબદારી છે.
આગામી સમયમાં અણુવ્રતના અગિયાર નિયમોનો સંદેશ જનજન સુધી પહોંચાડવા, યુવા પેઢીમાં સારા સંસ્કારો વિકસાવવા, વ્યસનમુક્ત સમાજના નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ વ્યાપક જનજાગૃતિ લાવવાનો સમિતિએ સંકલ્પ વ્યક્ત કર્યો છે.









