
માંડવીમાં 14 નવેમ્બરે આચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી
Mandavi News તપગચ્છ જૈન સંઘ દ્વારા ભક્તિમય કાર્યક્રમનું આયોજન; ગુણાનુવાદ, જ્ઞાનની ઓરડીનાં દર્શન અને આયંબિલ તપની આરાધના યોજાશે
News માંડવીના શ્રી મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે તા. 14 નવેમ્બર, શનિવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિભાવપૂર્વક ગુરુભગવંતને ભાવાંજલિ અર્પણ કરશે.
કાર્યક્રમ અંતર્ગત શનિવારે સવારે પ્રાણ–પ્રેમીલા ઉપાશ્રય ખાતે યોજાનારા વ્યાખ્યાન દરમિયાન આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવન, ઉપદેશો અને ધાર્મિક યોગદાનને યાદ કરી ગુણાનુવાદ કરવામાં આવશે.
આ જ દિવસે જ્ઞાનપંચમી પર્વની પણ ઉજવણી થશે. સવારે 10:30 કલાકે સાધ્વીજી ભગવંત દિવ્યગીરાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા-3 દ્વારા પ્રાણ-પ્રેમીલા ઉપાશ્રય ખાતે જ્ઞાનની ઓરડીનાં દર્શન તથા દેવવંદન કરાવવામાં આવશે. જ્ઞાનપંચમીના પવિત્ર અવસરે જ્ઞાનની આરાધના અને ધાર્મિક ભક્તિનો લાભ શ્રાવક-શ્રાવિકાઓને મળશે.
આ ઉપરાંત બપોરે 12 વાગ્યે માંડવીના પાંચેગચ્છ ખાતે આયંબિલ તપની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આરાધના દાતા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર તરફથી તેમના પરિવારજનોના સહયોગથી, મૈત્રી પ્રતીક મહેતાના હસ્તે કરાવવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે માહિતી આપી હતી.
ગુરુભગવંતની સ્મૃતિમાં યોજાનારા ગુણાનુવાદ, જ્ઞાનપંચમીની આરાધના અને આયંબિલ તપના આ કાર્યક્રમો દ્વારા ધર્મભાવના તથા ગુરુભક્તિનો માહોલ સર્જાશે. સંઘ દ્વારા જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓને આ ધાર્મિક પ્રસંગોમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો









