Day: November 12, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત અંબાજી પ્રવાસ હાલ પૂરતો રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત અંબાજી પ્રવાસ હાલ પૂરતો રદ PM Modi Ambaji Visit Cancelled 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે અંબાજી આવવાની હતી શક્યતા, ભક્તોને અગવડતા ન પડે તે હેતુથી કાર્યક્રમ રદ કરાયાની માહિતી બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત બનાસકાંઠા પ્રવાસને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો હાલ પૂરતો અંત આવ્યો છે. વડાપ્રધાન મોદીનો 14 નવેમ્બરના રોજ અંબાજી આવવાનો સંભવિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, 14 નવેમ્બરના રોજ લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરની મુલાકાત લેશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે અંબાજી આવતા હોવાથી ભક્તોને અવરજવર કે દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને સંભવિત પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી છે. જેના પગલે વડાપ્રધાનના 14 નવેમ્બરના સંભવિત અંબાજી પ્રવાસ અંગેની અટકળો પર હાલ વિરામ આવ્યો છે. હાલ પૂરતો કાર્યક્રમ રદ થયો છે, ત્યારે ભવિષ્યમાં વડાપ્રધાનનો બનાસકાંઠા કે અંબાજી પ્રવાસ ક્યારે યોજાશે તે અંગે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

અણુવ્રત સમિતિ ભુજને વર્ષ ૨૦૨૬-૨૭ માટે અણુવિભાની સત્તાવાર સંબંધિતતા પ્રાપ્ત

અણુવ્રત સમિતિ ભુજને વર્ષ ૨૦૨૬-૨૭ માટે અણુવિભાની સત્તાવાર સંબંધિતતા પ્રાપ્ત Anuvrat Samiti Bhuj નૈતિકતા, માનવતા અને ચારિત્ર્ય નિર્માણના રાષ્ટ્રીય અભિયાનમાં ભુજ સમિતિને વધુ એક ગૌરવપૂર્ણ માન્યતા અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી (અણુવિભા), રાજસમંદ–રાજસ્થાન દ્વારા અણુવ્રત સમિતિ, ભુજને વર્ષ ૨૦૨૬-૨૭ માટે સત્તાવાર સંબંધિતતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર ક્રમાંક અણુવિભા/૩૬૭ સાથે પ્રાપ્ત થયેલી આ માન્યતા ભુજ સમિતિ માટે ગૌરવ અને પ્રેરણારૂપ બની છે. અણુવ્રત આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નૈતિક મૂલ્યો, અહિંસા, સંયમ, પ્રમાણિકતા, વ્યસનમુક્તિ, માનવતા અને સામાજિક સમરસતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે. કોઈ એક ધર્મ કે સંપ્રદાય પૂરતું મર્યાદિત ન રહેતાં સમગ્ર માનવજાતને નૈતિક જીવન જીવવાનો સંદેશ આપતું આ અભિયાન વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ દ્વારા સ્વસ્થ સમાજની રચનાનો સંકલ્પ ધરાવે છે. અણુવિભાના અધ્યક્ષ શ્રી પ્રતાપસિંહ દુગડ તથા મહામંત્રી શ્રી મનોજ સિંઘવીની સહી સાથે પ્રાપ્ત થયેલું આ પ્રમાણપત્ર ભુજ સમિતિની સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓને નવી દિશા અને પ્રેરણા આપશે. સમિતિ દ્વારા બાળકો અને યુવાનોમાં નૈતિક સંસ્કારોનું સિંચન, વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, અહિંસા અને માનવીય મૂલ્યોના પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય શ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ અણુવિભાના રાષ્ટ્રીય હોદ્દેદારો અને માર્ગદર્શક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંબંધિતતા માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ સમાજમાં નૈતિકતા, માનવતા અને ચારિત્ર્ય નિર્માણના કાર્યને વધુ વેગ આપવાની નવી જવાબદારી છે. આગામી સમયમાં અણુવ્રતના અગિયાર નિયમોનો સંદેશ જનજન સુધી પહોંચાડવા, યુવા પેઢીમાં સારા સંસ્કારો વિકસાવવા, વ્યસનમુક્ત સમાજના નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ વ્યાપક જનજાગૃતિ લાવવાનો સમિતિએ સંકલ્પ વ્યક્ત કર્યો છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં 14 નવેમ્બરે આચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી

માંડવીમાં 14 નવેમ્બરે આચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી Mandavi News તપગચ્છ જૈન સંઘ દ્વારા ભક્તિમય કાર્યક્રમનું આયોજન; ગુણાનુવાદ, જ્ઞાનની ઓરડીનાં દર્શન અને આયંબિલ તપની આરાધના યોજાશે   News માંડવીના શ્રી મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે તા. 14 નવેમ્બર, શનિવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિભાવપૂર્વક ગુરુભગવંતને ભાવાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમ અંતર્ગત શનિવારે સવારે પ્રાણ–પ્રેમીલા ઉપાશ્રય ખાતે યોજાનારા વ્યાખ્યાન દરમિયાન આચાર્ય ભગવંત કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવન, ઉપદેશો અને ધાર્મિક યોગદાનને યાદ કરી ગુણાનુવાદ કરવામાં આવશે. આ જ દિવસે જ્ઞાનપંચમી પર્વની પણ ઉજવણી થશે. સવારે 10:30 કલાકે સાધ્વીજી ભગવંત દિવ્યગીરાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા-3 દ્વારા પ્રાણ-પ્રેમીલા ઉપાશ્રય ખાતે જ્ઞાનની ઓરડીનાં દર્શન તથા દેવવંદન કરાવવામાં આવશે. જ્ઞાનપંચમીના પવિત્ર અવસરે જ્ઞાનની આરાધના અને ધાર્મિક ભક્તિનો લાભ શ્રાવક-શ્રાવિકાઓને મળશે.   આ ઉપરાંત બપોરે 12 વાગ્યે માંડવીના પાંચેગચ્છ ખાતે આયંબિલ તપની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આરાધના દાતા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર તરફથી તેમના પરિવારજનોના સહયોગથી, મૈત્રી પ્રતીક મહેતાના હસ્તે કરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે માહિતી આપી હતી. ગુરુભગવંતની સ્મૃતિમાં યોજાનારા ગુણાનુવાદ, જ્ઞાનપંચમીની આરાધના અને આયંબિલ તપના આ કાર્યક્રમો દ્વારા ધર્મભાવના તથા ગુરુભક્તિનો માહોલ સર્જાશે. સંઘ દ્વારા જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓને આ ધાર્મિક પ્રસંગોમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં સેવાકીય પહેલથી નવા વર્ષનું સ્વાગત, બે શૈક્ષણિક સંસ્થાઓને વોટર કુલરની ભે

માંડવીમાં સેવાકીય પહેલથી નવા વર્ષનું સ્વાગત, બે શૈક્ષણિક સંસ્થાઓને વોટર કુલરની ભેટ Mandvi News અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનું સંયુક્ત આયોજન, દાતાઓના સહયોગથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો   નવા વર્ષ 2083ના આગમનને સેવાકીય પ્રવૃત્તિ સાથે આવકારવા માંડવીમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, ગોધરા દ્વારા દાતાઓના સહયોગથી બે શૈક્ષણિક સંસ્થાઓને ઠંડા પાણીના વોટર કુલર અર્પણ કરવામાં આવ્યા હતા. માંડવીના જૈનપુરી અને નાનાલાલ વોરા માર્ગ પર આવેલી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની કચેરી ખાતે તા. 10 નવેમ્બરના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે કરી હતી. તેમણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી રાયણ (તા. માંડવી)ની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વ. સાકરબેન વિશનજી વીરા (દેવપર-ગઢવાળી)ની સ્મૃતિમાં તેમના સંતાનો અતુલ, યોગેશ અને હર્ષાબેનના સહયોગથી ઠંડા પાણીનો વોટર કુલર અર્પણ કરવામાં આવ્યો હતો.   તે જ રીતે ભુજ સ્થિત શ્રી શારદા સંસ્કૃતિ ટ્રસ્ટને સ્વ. નાગજી શામજી વીરા (દેવપર-ગઢવાળી)ની સ્મૃતિમાં તેમના પરિવારજનોના સહયોગથી, પ્રવીણ નાગજી વીરાના હસ્તે બીજો વોટર કુલર ભેટ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, સહમંત્રી સુલતાનભાઈ મીર તથા રાષ્ટ્રસંત પ.પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી કાર્યરત માંડવીના અર્હમ યુવા સેવા ગ્રુપના રવિરાજસિંહ નટવરસિંહ જાડેજાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બંને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.   કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, મંત્રી સલીમભાઈ ચાકી, કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી તથા રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સહિતના આગેવાનોએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી રાયણ હાઈસ્કૂલના આચાર્ય મોસીનભાઈ નારેજા અને ભુજના શારદા સંસ્કૃતિ ટ્રસ્ટનાં ડૉ. પૂર્વીબેન ગોસ્વામીએ વોટર કુલરની ભેટ બદલ દાતાઓ અને આયોજક સંસ્થાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લાં 34 વર્ષથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને 28 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવતી આ પહેલ નવા વર્ષની શરૂઆતમાં સમાજસેવા અને દાતૃત્વનું પ્રેરણાદાયી ઉદાહરણ બની હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો આરોગ્ય સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો આરોગ્ય સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ Mandvi News નવા વર્ષના સ્નેહમિલનમાં ટ્રસ્ટી મંડળે લીધો પ્રેરણાદાયી નિર્ણય, 34 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે આપી રહી છે સેવાઓMandvi News માંડવી શહેરમાં આરોગ્ય સેવાક્ષેત્રે છેલ્લા 34 વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા નવા વર્ષ 2083 નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 10 નવેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ, તબીબો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર ખાતે યોજાયેલા આ સ્નેહમિલનની અધ્યક્ષતા સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવીએ કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહ, ડૉ. જયેશભાઈ મકવાણા, એડમિન હેતલબેન શાહ સહિત ડૉક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા નવા વર્ષમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા માટે પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા સાડા ત્રણ દાયકાથી દર્દીઓની સેવા કરતી સંસ્થા આગામી સમયમાં પણ આરોગ્ય ક્ષેત્રે વધુ લોકોપયોગી કામગીરી કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહી છે. માંડવી સહિત આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે દિશામાં સંસ્થાની કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે. નવા વર્ષના સ્નેહમિલન સાથે સેવાકાર્યને વધુ આગળ વધારવાનો સંકલ્પ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »