
માંડવીમાં સેવાકીય પહેલથી નવા વર્ષનું સ્વાગત, બે શૈક્ષણિક સંસ્થાઓને વોટર કુલરની ભેટ
Mandvi News અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનું સંયુક્ત આયોજન, દાતાઓના સહયોગથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
નવા વર્ષ 2083ના આગમનને સેવાકીય પ્રવૃત્તિ સાથે આવકારવા માંડવીમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, ગોધરા દ્વારા દાતાઓના સહયોગથી બે શૈક્ષણિક સંસ્થાઓને ઠંડા પાણીના વોટર કુલર અર્પણ કરવામાં આવ્યા હતા.
માંડવીના જૈનપુરી અને નાનાલાલ વોરા માર્ગ પર આવેલી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની કચેરી ખાતે તા. 10 નવેમ્બરના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે કરી હતી. તેમણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મોટી રાયણ (તા. માંડવી)ની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વ. સાકરબેન વિશનજી વીરા (દેવપર-ગઢવાળી)ની સ્મૃતિમાં તેમના સંતાનો અતુલ, યોગેશ અને હર્ષાબેનના સહયોગથી ઠંડા પાણીનો વોટર કુલર અર્પણ કરવામાં આવ્યો હતો.
તે જ રીતે ભુજ સ્થિત શ્રી શારદા સંસ્કૃતિ ટ્રસ્ટને સ્વ. નાગજી શામજી વીરા (દેવપર-ગઢવાળી)ની સ્મૃતિમાં તેમના પરિવારજનોના સહયોગથી, પ્રવીણ નાગજી વીરાના હસ્તે બીજો વોટર કુલર ભેટ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, સહમંત્રી સુલતાનભાઈ મીર તથા રાષ્ટ્રસંત પ.પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી કાર્યરત માંડવીના અર્હમ યુવા સેવા ગ્રુપના રવિરાજસિંહ નટવરસિંહ જાડેજાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બંને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, મંત્રી સલીમભાઈ ચાકી, કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી તથા રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સહિતના આગેવાનોએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી.
મોટી રાયણ હાઈસ્કૂલના આચાર્ય મોસીનભાઈ નારેજા અને ભુજના શારદા સંસ્કૃતિ ટ્રસ્ટનાં ડૉ. પૂર્વીબેન ગોસ્વામીએ વોટર કુલરની ભેટ બદલ દાતાઓ અને આયોજક સંસ્થાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
છેલ્લાં 34 વર્ષથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને 28 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવતી આ પહેલ નવા વર્ષની શરૂઆતમાં સમાજસેવા અને દાતૃત્વનું પ્રેરણાદાયી ઉદાહરણ બની હતી.









