
ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર આસિફ મર્ચન્ટને 27 વર્ષથી વધુની જેલ
Asif Merchant Sentenced અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ટોચના રાજકીય નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને અમેરિકાની અદાલતે 27 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ કેસમાં અમેરિકાના ન્યાય વિભાગે સજાની સત્તાવાર જાહેરાત કરી છે.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આસિફ મર્ચન્ટ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલો હતો. તેના પર અમેરિકાની ધરતી પર રાજકીય નેતાઓની હત્યા કરાવવા માટે ભાડૂતી હત્યારાઓની મદદ લેવાનો આરોપ હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આ કાવતરામાં તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડન, ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીને સંભવિત નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાવતરું ઈરાનના પૂર્વ સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઘડવામાં આવ્યું હોવાનું અમેરિકન તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું. જાન્યુઆરી 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું હતું.
આસિફ મર્ચન્ટે કાવતરાને અમલમાં મૂકવા માટે કેટલાક લોકોને સંપર્ક કર્યો હતો, પરંતુ તેની યોજના નિષ્ફળ રહી હતી. FBIના ગુપ્ત સૂત્રો અને તપાસ અધિકારીઓની મદદથી સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. હવે અમેરિકાની અદાલતે તેને 330 મહિનાની જેલની સજા સંભળાવી છે.









