
Appleની સેવાઓમાં વૈશ્વિક સ્તરે મોટો બ્રેકડાઉન, કરોડો યુઝર્સને પડી મુશ્કેલી
Apple Services Outage વિશ્વની જાણીતી ટેકનોલોજી કંપની Appleની વિવિધ ઑનલાઇન સેવાઓમાં બુધવારે રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ, કંપનીની iCloud, App Store અને Apple Pay જેવી મહત્વપૂર્ણ સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. જેના કારણે iPhone અને MacBook વાપરતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી હતી. કેટલાક યુઝર્સના એકાઉન્ટમાંથી આપમેળે લોગઆઉટ થઈ જવાની સમસ્યા સામે આવી હતી, જ્યારે અન્ય યુઝર્સ એપ્લિકેશન ડાઉનલોડ કે અપડેટ કરી શકતા નહોતા.
આઉટેજને કારણે Appleની વિવિધ ડિજિટલ સેવાઓ પર આધાર રાખતા ગ્રાહકોને કામકાજમાં પણ અવરોધ આવ્યો હતો. વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ ટેકનિકલ સમસ્યાને તાજેતરના મોટા સર્વિસ આઉટેજ પૈકીની એક ગણાવવામાં આવી રહી છે.
જોકે, અહેવાલ મુજબ કંપની દ્વારા સમસ્યા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ધીમે ધીમે સેવાઓ ફરી સામાન્ય થવા લાગી હતી.









