
દાનવીર ચંદ્રકાંતભાઈ ગોગરી અરિહંત શરણ પામ્યા, કચ્છી સમાજે સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું
ચંદ્રકાંતભાઈ ગોગરી કચ્છના નાના ભાડિયા ગામના વતની અને મુંબઈમાં વસવાટ કરતા જાણીતા દાનવીર, જીવદયાપ્રેમી તથા માનવસેવાના ઉપાસક સ્વ. ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી અરિહંત શરણ પામતાં કચ્છી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનથી સમાજે એક સેવાભાવી અને પરોપકારી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
તેમને શ્રદ્ધાંજલિ અર્પતાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ), ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે ચંદ્રકાંતભાઈ ગોગરીનું સમગ્ર જીવન માનવસેવા, જીવદયા, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, પરોપકાર અને સમાજકલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું.
સમાજના વિવિધ સેવાકાર્યોમાં તેમનો ફાળો માત્ર આર્થિક સહયોગ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તેમની પાછળ માનવતા પ્રત્યેનો ઊંડો પ્રેમ અને કરુણાની ભાવના જોડાયેલી હતી. જરૂરિયાતમંદોની મદદ, જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાભાવને કારણે તેઓ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
જીગરભાઈ છેડાએ વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રકાંતભાઈ જેવા સેવાભાવી વ્યક્તિઓ પોતાના સત્કર્મો અને સેવાકાર્યો થકી હંમેશાં લોકોના હૃદયમાં જીવંત રહે છે. તેમના અરિહંત શરણથી કચ્છી સમાજે એક મહાન દાનવીર અને માનવતાના સાચા ઉપાસક ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.
અંતમાં તેમણે પરમાત્માને પ્રાર્થના કરી હતી કે સદગતના પવિત્ર આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને પરિવારજનો, સ્નેહીજનો તથા સમગ્ર સમાજને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.









