માંડવીમાં જૈનાચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજીની સ્વર્ગારોહણ તિથિએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share:


માંડવીમાં જૈનાચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજીની સ્વર્ગારોહણ તિથિએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Mandvi News શ્રી માંડવી મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 નવેમ્બર, શનિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકો જોડાયા હતા.

વ્યાખ્યાનમાં આચાર્યશ્રીના ગુણોનું સ્મરણ કરાયું

 

સવારે 9 વાગ્યે પ્રાણ–પ્રેમીલા ઉપાશ્રય ખાતે યોજાયેલા વ્યાખ્યાન દરમિયાન આચાર્ય ભગવંતના જીવન, કાર્યો અને સંઘ માટેના યોગદાનને યાદ કરી ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાધ્વીજી ભગવંત પરમ પૂજ્ય દિવ્યગીરાશ્રીજી મહારાજ સાહેબ સહિત ત્રણ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો.

માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે આચાર્યશ્રીના જીવનપ્રસંગો રજૂ કરી તેમના ધાર્મિક અને સામાજિક યોગદાનનું સ્મરણ કર્યું હતું.

જ્ઞાનપંચમી નિમિત્તે ધાર્મિક આરાધના

 

ગુણાનુવાદ કાર્યક્રમ બાદ જ્ઞાનપંચમીના પાવન અવસરે સાધ્વીજી ભગવંતો દ્વારા ભાવિકોને જ્ઞાનની ઓરડીના દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે જ દેવવંદન સહિતની ધાર્મિક વિધિઓ પણ યોજાઈ હતી.

 

91 ભાવિકોએ કરી આંયબિલ તપની આરામ

બપોરે 12 વાગ્યે માંડવીની આંયબિલ શાળામાં પાંચેગચ્છના 91 ભાઈ-બહેનોએ આંયબિલ તપની આરાધના કરી હતી. આ ધાર્મિક આયોજન માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. મૈત્રી પ્રતીક મહેતાના હસ્તે દાતાશ્રી તરફથી તપના આરાધકોને પ્રભાવના અર્પણ કરવામાં આવી હતી.

 

પાંચેગચ્છના ભાઈ–બહેનોએ તપસ્વીઓને ભોજન પીરસવાની સેવા આપી હતી. આંયબિલ તપના આરાધકોને વિવિધ દાતાઓ તરફથી કુલ રૂ.250ની પ્રભાવના કરવામાં આવી હોવાનું સંઘના પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

આ ઉપરાંત દીપરંજન સેવા કેન્દ્રના ઉપક્રમે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ દ્વારા જીવદયા અને માનવસેવાનાં વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યાં હતાં.

આ રીતે ધાર્મિક આરાધના, ગુણાનુવાદ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે માંડવીમાં આચાર્યશ્રીની સ્વર્ગારોહણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें