
સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવી દ્વારા શિક્ષણની સિદ્ધિ બદલ મંજુલાબેન સંઘવીનું સન્માન
સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવી દ્વારા શિક્ષણની સિદ્ધિ બદલ મંજુલાબેન સંઘવીનું સન્માન Mandvi News પી.એચ.ડી.ની ડિગ્રી હાંસલ કરવા બદલ મંડળ દ્વારા અભિનંદન પાઠવાયા બંદરીય શહેર માંડવીમાં સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય મંજુલાબેન ભદ્રેશ સંઘવીએ પી.એચ.ડી.ની ડિગ્રી હાંસલ કરતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પિનાકિની સંઘવીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કુટુંબની જવાબદારીઓ અને નાની દીકરીની સંભાળ સાથે મંજુલાબેન સંઘવીએ રાયપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ બદલ તેમણે મંજુલાબેનને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના ખજાનચી ડૉ. પારુલબેન ગોગરીએ પણ મંજુલાબેનને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંજુલાબેનની સિદ્ધિથી તેમના પરિવારની સાથે મંડળ અને સમગ્ર જૈન સમાજનું નામ રોશન થયું છે. સન્માનના પ્રતિભાવમાં મંજુલાબેન સંઘવીએ પોતાની શૈક્ષણિક સિદ્ધિ પાછળ પરિવાર અને પતિ તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જૈન સમાજરત્ન તથા શિક્ષણવિદ દિનેશભાઈ શાહે પણ મંજુલાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પિનાકિની સંઘવી, ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનચી ડૉ. પારુલબેન ગોગરી, સલાહકાર સીમાબેન લાલન, ઉષાબેન શાહ, શોભાબેન સંઘવી, વર્ષાબેન શાહ, જેની સંઘવી, રાહુલ સંઘવી, ભદ્રેશ સંઘવી અને ગાર્ગી ગોગરી સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો








