
માંડવીમાં ‘SANRAKSHA – Orange the World’ અંતર્ગત ભવ્ય કાર રેલી યોજાશે
માંડવી: ઇનર વ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 305ના માર્ગદર્શન હેઠળ ‘SANRAKSHA – Orange the World’ થીમ સાથે તા. 26 અને 27 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બે દિવસીય ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘Grow | Glow | Go’ના સંદેશ સાથે યોજાનારી રેલીમાં 150થી વધુ સભ્યો અને સહભાગીઓ જોડાશે.
રેલીનો મુખ્ય હેતુ મહિલા સુરક્ષા, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક સેવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. ‘Orange the World’ અંતર્ગત નારંગી રંગ મહિલાઓ સામેની હિંસા વિરુદ્ધ જાગૃતિ, એકતા અને સંકલ્પનું પ્રતીક બની રહેશે. ‘Be The Voice’ અને ‘One Colour • One Voice • One Commitment’ જેવા સંદેશો દ્વારા મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે સમાજને એક થવાનો સંદેશ આપવામાં આવશે.
પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન, નાસ્તો, સામાજિક જાગૃતિ માટે પ્રદર્શન, વર્કશોપ અને કાર ડેકોરેશન સહિતના કાર્યક્રમો યોજાશે. Eco-friendly decorationને પ્રોત્સાહન આપવામાં આવશે. સાંજે કચ્છી વાનગીઓ સાથે હાઈ-ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પરંપરાગત ચણિયાચોળી ડ્રેસ કોડ સાથે ગરબા રાત્રિ યોજાશે.
બીજા દિવસે નારંગી ટી-શર્ટ અને વાદળી જીન્સના ડ્રેસ કોડ સાથે શણગારેલી કારો સાથે ભવ્ય રેલી યોજાશે. રેલી દરમિયાન માંડવી બીચ ખાતે ‘SANRAKSHA’ જાગૃતિ કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ મહિલા મંડળોની બહેનો ઉપસ્થિત રહેશે. મહિલાઓના સ્વાસ્થ્ય, સુરક્ષા, અધિકારો અને સશક્તિકરણ અંગે સંવાદ અને જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે માંડવીના PI શ્રી રાઠોડ, મેયર શ્રીમતી વર્ષાબેન જોશી તથા પલ્લવીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપશે.
રેલીમાંથી એકત્રિત થનાર ફંડનો ઉપયોગ ઇનર વ્હીલ ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. જેમાં ડાયાલિસિસ દર્દીઓને સહાય, સર્વાઇકલ કેન્સર રસીકરણ, Fit Girl Child પ્રોજેક્ટ તથા વિશેષ જરૂરિયાત ધરાવતી બાળાઓના શિક્ષણ માટે સહાયનો સમાવેશ થાય છે.
આ સમગ્ર આયોજન PAP સુનિતા જૈન, ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષાબેન શાહ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અલકાબેન ભાર્ગવ, રેલી ચેરમેન ડૉ. કિંજલ શાહ, રેલી કન્વીનર રાચના શાહ, ક્લબ પ્રેસિડેન્ટ જૈમિની કોટક, સેક્રેટરી નીલમ ચાવડા તથા સમગ્ર ઇનર વ્હીલ ટીમના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવશે.









