માંડવીની દિવ્યાંગ દીકરીની સિદ્ધિ: 40% પ્રજ્ઞાચક્ષુ સભાઈબેન ગઢવી તલાટી-મંત્રી બનવા પસંદગી પામ્યાં

Share:

માંડવીની દિવ્યાંગ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો, સંસ્થાના નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસથી સફળતા મેળવ

Mandvi News માંડવીની દિવ્યાંગ દીકરીએ પોતાની મહેનત, હિંમત અને દૃઢ નિશ્ચયથી સફળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલયની પૂર્વ વિદ્યાર્થિની સભાઈબેન નારાણભાઈ ગઢવી તલાટી-મંત્રીની નિમણૂક માટે પસંદગી પામ્યાં છે. 40 ટકા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સતત પ્રયત્નો કર્યા અને આ સિદ્ધિ મેળવી છે.

સભાઈબેન ગઢવીએ વર્ષ 2016થી સાત વર્ષ સુધી સંસ્થા સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલયમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું. તેમણે માંડવીની ત્રણે ટૂંકર કન્યા વિદ્યાલયમાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ માંડવીની એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

અભ્યાસની સાથે સભાઈબેને સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું હતું. છાત્રાલયમાં સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં તેમણે તલાટી-મંત્રીની પરીક્ષા માટે તૈયારી કરી હતી. આ મહેનતનું પરિણામ તેમને તલાટી-મંત્રી તરીકે પસંદગી મળવાના સ્વરૂપે પ્રાપ્ત થયું છે. તેઓ ક્લાર્કની પરીક્ષા પણ પાસ કરી ચૂક્યાં છે.

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છેલ્લા 34 વર્ષથી અંધ, દિવ્યાંગ, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા તેમજ સાંભળવા અને બોલવામાં મુશ્કેલી અનુભવતા લોકોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. સંસ્થા દ્વારા વર્ષ 2015થી સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓના શિક્ષણની સાથે તેમને આત્મનિર્ભર બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવે છે.

સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે, 40 ટકા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સભાઈબેને હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખ્યો અને પોતાની મહેનતથી આ સફળતા મેળવી છે. તેમની સિદ્ધિ અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

સભાઈબેન ગઢવીની આ સિદ્ધિ બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ. મધુકરભાઈ રાણા, પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી અને અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, પૂર્વ પ્રમુખ ડૉ. કૌશિકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ છાત્રાલયનાં ગૃહમાતા પ્રવિણાબેન પાટોડીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

દિવ્યાંગ દીકરીઓની પ્રગતિની દિશામાં વધુ એક પગલું

સંસ્થાની માહિતી મુજબ, આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનારી એક પૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થિની છેલ્લા બે વર્ષથી અદાણી પોર્ટ, મુન્દ્રા ખાતે ફરજ બજાવે છે. આ ઉપરાંત, આ વર્ષે સંસ્થાની અન્ય ત્રણ પૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની પણ અદાણી પોર્ટ, મુન્દ્રામાં નોકરી માટે પસંદગી થઈ છે.

સભાઈબેન ગઢવીની સફળતા એ વાતનો સંદેશ આપે છે કે યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ અને આત્મવિશ્વાસના સહારે દિવ્યાંગ વ્યક્તિઓ પણ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें