Day: September 25, 2026

માંડવીમાં ‘SANRAKSHA – Orange the World’ અંતર્ગત ભવ્ય કાર રેલી યોજાશે

માંડવીમાં ‘SANRAKSHA – Orange the World’ અંતર્ગત ભવ્ય કાર રેલી યોજાશે માંડવી: ઇનર વ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 305ના માર્ગદર્શન હેઠળ ‘SANRAKSHA – Orange the World’ થીમ સાથે તા. 26 અને 27 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બે દિવસીય ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘Grow | Glow | Go’ના સંદેશ સાથે યોજાનારી રેલીમાં 150થી વધુ સભ્યો અને સહભાગીઓ જોડાશે. રેલીનો મુખ્ય હેતુ મહિલા સુરક્ષા, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક સેવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. ‘Orange the World’ અંતર્ગત નારંગી રંગ મહિલાઓ સામેની હિંસા વિરુદ્ધ જાગૃતિ, એકતા અને સંકલ્પનું પ્રતીક બની રહેશે. ‘Be The Voice’ અને ‘One Colour • One Voice • One Commitment’ જેવા સંદેશો દ્વારા મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે સમાજને એક થવાનો સંદેશ આપવામાં આવશે. પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન, નાસ્તો, સામાજિક જાગૃતિ માટે પ્રદર્શન, વર્કશોપ અને કાર ડેકોરેશન સહિતના કાર્યક્રમો યોજાશે. Eco-friendly decorationને પ્રોત્સાહન આપવામાં આવશે. સાંજે કચ્છી વાનગીઓ સાથે હાઈ-ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પરંપરાગત ચણિયાચોળી ડ્રેસ કોડ સાથે ગરબા રાત્રિ યોજાશે. બીજા દિવસે નારંગી ટી-શર્ટ અને વાદળી જીન્સના ડ્રેસ કોડ સાથે શણગારેલી કારો સાથે ભવ્ય રેલી યોજાશે. રેલી દરમિયાન માંડવી બીચ ખાતે ‘SANRAKSHA’ જાગૃતિ કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ મહિલા મંડળોની બહેનો ઉપસ્થિત રહેશે. મહિલાઓના સ્વાસ્થ્ય, સુરક્ષા, અધિકારો અને સશક્તિકરણ અંગે સંવાદ અને જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે માંડવીના PI શ્રી રાઠોડ, મેયર શ્રીમતી વર્ષાબેન જોશી તથા પલ્લવીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપશે. રેલીમાંથી એકત્રિત થનાર ફંડનો ઉપયોગ ઇનર વ્હીલ ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે. જેમાં ડાયાલિસિસ દર્દીઓને સહાય, સર્વાઇકલ કેન્સર રસીકરણ, Fit Girl Child પ્રોજેક્ટ તથા વિશેષ જરૂરિયાત ધરાવતી બાળાઓના શિક્ષણ માટે સહાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજન PAP સુનિતા જૈન, ડિસ્ટ્રિક્ટ ચેરમેન વર્ષાબેન શાહ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અલકાબેન ભાર્ગવ, રેલી ચેરમેન ડૉ. કિંજલ શાહ, રેલી કન્વીનર રાચના શાહ, ક્લબ પ્રેસિડેન્ટ જૈમિની કોટક, સેક્રેટરી નીલમ ચાવડા તથા સમગ્ર ઇનર વ્હીલ ટીમના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં શ્રી જગન્નાથજીના બલી-બામન વેશના સાહાણમેળા દર્શન યોજાયા

માંડવીમાં શ્રી જગન્નાથજીના બલી-બામન વેશના સાહાણમેળા દર્શન યોજાયા માંડવીના કાંઠાવારા નાકા પાસે આવેલ શ્રીશંખક્ષેત્ર-શ્રીજગન્નાથપુરી ચોક સ્થિત જગન્નાથપીઠ ખાતે મહાપ્રભુ શ્રી જગન્નાથજીના બલી-બામન વેશના સાહાણમેળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે માંડવી નગર સેવા સદનના કાઉન્સિલરો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સભ્યો સહિત માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા નવા નિમાયેલા નગર અધ્યક્ષ વર્ષાબેન વિનેશ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીઉના બલી-બામન વેશમાં આરતી કરી અને દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શ્રીજીઉ સમીપે ભક્તવૃંદ સમક્ષ શ્રીશંખક્ષેત્ર-જગન્નાથપુરી તીર્થધામ તથા જગન્નાથ પ્રભુના મહિમાનું ગાન કર્યું હતું. બલી-બામન વેશના દર્શનથી ભક્તોમાં ભક્તિભાવ છવાયો હતો. કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવો અને આગેવાનોનું પીળા રંગના ઉપરણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાહાણમેળા દર્શન દરમિયાન મોટી સંખ્યામાં માંડવી નગરજનોએ જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ‘હરિબોલ’ અને ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ અંગે ઉત્સવના મુખ્ય આયોજક રવિન્દ્ર વી. સોલંકી (રવિભાઈ જગન્નાથપુરી ઓરિસ્સાવાળા)ની યાદીમાં જણાવાયું હતું. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કચ્છમાં જળસંરક્ષણને મળશે નવી દિશા, દામજીભાઈ એકરવાલાની સ્મૃતિમાં ‘જલ-મિત્ર’ અભિયાન

કચ્છમાં જળસંરક્ષણને મળશે નવી દિશા, દામજીભાઈ એકરવાલાની સ્મૃતિમાં ‘જલ-મિત્ર’ અભિયાન કચ્છ જેવા પાણીની અછત ધરાવતા વિસ્તારમાં જળસંરક્ષણનું મહત્વ ખૂબ વધારે છે. વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને ભવિષ્ય માટે જળસ્રોતોને સુરક્ષિત રાખવા માટે સતત લોકજાગૃતિ જરૂરી છે. આ દિશામાં કચ્છમાં જળસંરક્ષણ સાથે જોડાયેલી એક નવી પહેલ સામે આવી છે. જળસંરક્ષણના ક્ષેત્રે કાર્ય કરનાર દામજીભાઈ એકરવાલાની સ્મૃતિને કેન્દ્રમાં રાખીને ‘જલ-મિત્ર’ સ્કૂલ વોટર ઓડિટ અભિયાન શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓને પાણીના મહત્વ સાથે જોડવાનો અને શાળા સ્તરેથી જ પાણી બચાવવાની ટેવ વિકસાવવાનો છે. શાળાઓમાં પાણીના ઉપયોગ પર થશે ધ્યાન ‘જલ-મિત્ર’ અભિયાન હેઠળ શાળાઓમાં પાણીનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની સમજ મેળવવા પર ભાર મૂકવામાં આવશે. પાણી ક્યાં વપરાય છે, ક્યાં બગાડ થવાની શક્યતા છે અને પાણીનો ઉપયોગ વધુ અસરકારક રીતે કેવી રીતે કરી શકાય તેવા મુદ્દાઓ વિદ્યાર્થીઓ સમક્ષ લાવવામાં આવશે. આ પ્રકારની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ માત્ર પાણી બચાવવાની વાત સાંભળશે નહીં, પરંતુ પોતાના આસપાસના પાણીના વપરાશને સમજવાની તક પણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ બનશે જળસંરક્ષણના સંદેશવાહક જળસંરક્ષણને માત્ર સરકારી તંત્ર કે કોઈ એક સંસ્થાની જવાબદારી ન રાખીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાની જરૂરિયાત છે. તેમાં વિદ્યાર્થીઓની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની શકે છે. શાળામાં પાણી બચાવવાની ટેવ વિકસાવ્યા બાદ વિદ્યાર્થીઓ આ સંદેશ પોતાના પરિવાર અને આસપાસના લોકો સુધી પહોંચાડી શકે છે. નાની ઉંમરથી પાણીનું મહત્વ સમજવાથી ભવિષ્યમાં પાણીના સંરક્ષણ અંગે વધુ જવાબદાર અભિગમ વિકસે તેવી આશા છે. કચ્છ માટે પાણી બચાવવું કેમ જરૂરી? કચ્છમાં વરસાદનું પ્રમાણ અને પાણીની ઉપલબ્ધતા અંગે પડકારો રહે છે. આવી પરિસ્થિતિમાં મળતા વરસાદી પાણીને સાચવવું અને ભૂગર્ભ જળ સહિતના જળસ્રોતોનું જતન કરવું જરૂરી બને છે. પાણીનો બિનજરૂરી વપરાશ અટકાવવો, લીકેજ દૂર કરવું, વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ કરવો અને લોકોમાં પાણી બચાવવાની સમજ વધારવી જેવા નાના પગલાં પણ લાંબા ગાળે ઉપયોગી સાબિત થઈ શકે છે. દામજીભાઈ એકરવાલાની સ્મૃતિને સમર્પિત પહેલ ‘જલ-મિત્ર’ અભિયાનને દામજીભાઈ એકરવાલાની જળસંરક્ષણ સાથે જોડાયેલી વિચારધારાને આગળ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમની સ્મૃતિમાં શાળાના વિદ્યાર્થીઓને જળસંરક્ષણ સાથે જોડવાનો આ પ્રયાસ નવી પેઢીમાં પાણી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. શાળાથી શરૂ થતી જળજાગૃતિ જો પરિવાર અને સમાજ સુધી પહોંચે તો પાણી બચાવવાનો સંદેશ વધુ વ્યાપક બની શકે છે. કચ્છ જેવા વિસ્તારમાં જળસંરક્ષણને રોજિંદા જીવનનો ભાગ બનાવવો આવનારા સમય માટે પણ જરૂરી છે.   વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કચ્છ માટે મોટી ગ્રીન એનર્જી પહેલ: કંડલા પોર્ટ ખાતે ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ

કચ્છ માટે મોટી ગ્રીન એનર્જી પહેલ: કંડલા પોર્ટ ખાતે ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ Deendayal Port Authority 21 સપ્ટેમ્બર 2026: દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ (APCL)ના સંયુક્ત ઉપક્રમે કંડલા ખાતે 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટ વિકસાવવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ફાઉન્ડેશન સ્ટોન લેઇંગ સેરેમનીનું આયોજન 26 સપ્ટેમ્બર, 2026ના રોજ DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે કરવામાં આવશે. Deendayal Port Authority આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ તથા આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્મા દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. ₹2,300 કરોડનું રોકાણ, 3,500થી વધુ રોજગારની અપેક્ષા આશરે ₹2,300 કરોડના રોકાણથી વિકસિત થનારો 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટના અમલીકરણથી 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ રોજગારીની તકોનો લાભ યુવાનો ઉપરાંત કુશળ કામદારો, એન્જિનિયરો, ટ્રાન્સપોર્ટર્સ, સપ્લાયર્સ અને અન્ય સંકળાયેલા ક્ષેત્રોને મળવાની શક્યતા છે. સાથે જ કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે. ગ્રીન ફ્યુઅલ અને ગ્રીન શિપિંગને મળશે વેગ દીનદયાળ પોર્ટ ખાતે વિકસાવવામાં આવનારો આ પ્લાન્ટ ઈ-મિથેનોલ જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે. ખાસ કરીને દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની શકે છે. ઈ-મિથેનોલ આધારિત ઈંધણના ઉપયોગથી આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવા તથા વધુ સ્વચ્છ અને ટકાઉ શિપિંગ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને બળ મળશે. ગુજરાત અને આસામની ઔદ્યોગિક ક્ષમતાઓનું સંગમ આ પ્રોજેક્ટમાં આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડની ઔદ્યોગિક ક્ષમતા અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીની વ્યૂહાત્મક દરિયાઈ સુવિધાઓનું સંયોજન જોવા મળશે. ગુજરાત અને આસામ વચ્ચેની આ ઔદ્યોગિક ભાગીદારી દેશના ગ્રીન ફ્યુઅલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત શિલાન્યાસ સમારોહમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહ, IRSME તથા આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ બિકુલ ડેકા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટ ભારત સરકારના ગ્રીન એનર્જી, ટકાઉ બંદર વિકાસ અને ઊર્જા આત્મનિર્ભરતાના દિશા-વિઝનને આગળ ધપાવતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. કંડલા ખાતે ઈ-મિથેનોલ પ્લાન્ટની સ્થાપના કચ્છના બંદર અને ઔદ્યોગિક ક્ષેત્રને ગ્રીન એનર્જી ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »