
માંડવી તપગચ્છ જૈન સંઘ દ્વારા રવિવારે યાત્રા પ્રવાસનું આયોજન
Mandvi News દાતા પરિવારના સહયોગથી યોજાનાર યાત્રા પ્રવાસમાં શ્રાવક-શ્રાવિકાઓને કોઈ ચાર્જ નહીં
શ્રી માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે દાતા પરિવારના સહયોગથી તા. 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા પ્રવાસના લાભાર્થી પરિવારો તરીકે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવાર તથા માતૃશ્રી શાંતીબેન ઈશ્વરલાલ શાહ (વિવિધા) પરિવાર જોડાયા છે.
આ અંગે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, યાત્રા પ્રવાસ માટે સંઘનું પ્રસ્થાન 27 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યે માંડવીથી થશે.
યાત્રા દરમિયાન સૌપ્રથમ સંઘ કટારીયા તીર્થ પહોંચશે, જ્યાં દર્શન-વંદન બાદ નવકારશી કરવામાં આવશે. ત્યારબાદ તપ પ્રભાવિકા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજીના વંદન કરવામાં આવશે.
કટારીયાથી સંઘ ભચાઉ પહોંચશે, જ્યાં પરમ પૂજ્ય સાધુ ભગવંત શ્રી તીર્થહેમ મહારાજ સાહેબના વંદન કર્યા બાદ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી જીનદિક્ષાશ્રીજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી શ્રી જિનપ્રતિક્ષાશ્રીજી મહારાજ સાહેબના વંદન કરવામાં આવશે.
ત્યારબાદ ગાંધીધામ ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે. ગાંધીધામથી સંઘ અંજાર પહોંચશે, જ્યાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિમલપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે.
યાત્રાના અંતિમ તબક્કામાં સંઘ કચ્છના પાટનગર ભુજ પહોંચશે. ત્યાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદવર્ધન સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આત્મદર્શન સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રશ્મીરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે.
આ યાત્રા પ્રવાસમાં જોડાવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. દાતા પરિવારની ભાવના છે કે વધુમાં વધુ શ્રાવક-શ્રાવિકાઓ આ ધાર્મિક યાત્રામાં જોડાય અને તેનો લાભ લે.
યાત્રામાં જોડાવા ઇચ્છુક શ્રાવક-શ્રાવિકાઓએ માંડવીની તપગચ્છ પેઢીમાં વહેલી તકે પોતાના નામ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે.









