Day: September 26, 2026

કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન

કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન Mandvi News ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારે કંડલાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન માંડવીના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ મુખ્યમંત્રીને ‘કચ્છી હિન્દી પાઠાવલી’ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ તા. 16 સપ્ટેમ્બરના રોજ ભુજ ખાતે BSFના મુખ્યાલયમાં ‘કચ્છી હિન્દી પાઠાવલી ભાગ-6’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પાઠાવલીનું વિમોચન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કચ્છી ભાષા અને સાહિત્યના સંવર્ધન સાથે હિન્દી ભાષાના જ્ઞાનને પ્રોત્સાહન આપવાના હેતુથી પાઠાવલીનું પ્રકાશન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રીને પાઠાવલી અર્પણ કરી સન્માન કરવામાં આવતા આ પ્રસંગને કચ્છી ભાષા-સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો

ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો Gandhidham Seva Setu  સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા 12 તબક્કાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી ગાંધીધામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સરકારી વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અનેક લાભાર્થીઓને PM આવાસ યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓ હેઠળ સહાયના હુકમો અને મંજૂરી પત્રોનું સ્થળ પર જ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય પણ આપવામાં આવી હતી. ‘સરકાર તમારા દ્વારે’ના સંકલ્પ સાથે 56થી વધુ સેવાઓ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડમાં સુધારા, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની 56થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. અનેક અરજીઓ અને પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા લાભાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ‘છેલ્લા માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તે સંકલ્પ’ લાભાર્થીઓ સાથે સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર લોકો સુધી પહોંચીને તેમના કામોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને કોઈ નાગરિક સરકારી સેવાથી વંચિત ન રહે તે સરકારનો સંકલ્પ છે. એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી નાગરિકોને સરળતા રહે છે. મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે અને વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરું, કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કંડલામાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, 3,500થી વધુ રોજગારીની તકો સર્જાશે

કંડલામાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, 3,500થી વધુ રોજગારીની તકો સર્જાશે Bhupendra Patel, Methanol Plant કચ્છના ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 150 TPD ક્ષમતાનો આ પ્લાન્ટ ગ્રીન એનર્જી અને ગ્રીન શિપિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બની શકે છે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય બંદર, શિપિંગ તથા જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. કંડલામાં ગ્રીન એનર્જીને નવી દિશા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કંડલા ખાતે આકાર પામનારો ઈ-મિથેનોલ પ્રોજેક્ટ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન શિપિંગને નવી દિશા આપશે. ગુજરાતની મેરિટાઈમ ક્ષમતા અને આસામની ઔદ્યોગિક ક્ષમતાનું સંયોજન આ પ્રોજેક્ટમાં જોવા મળી રહ્યું છે. દીનદયાળ પોર્ટ ગુજરાત ઉપરાંત દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે. ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી નવી ઊર્જા વ્યવસ્થાઓ તરફ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે કંડલા ખાતેનો આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ કડી બની શકે છે. 150 TPD ક્ષમતાનો પ્લાન્ટ ₹2,300 કરોડના મૂડીરોકાણથી નિર્માણ પામનારા આ પ્લાન્ટની ક્ષમતા દરરોજ 150 ટન ઈ-મિથેનોલ ઉત્પાદન કરવાની રહેશે. ગ્રીન ફ્યુઅલના ઉત્પાદન અને બંકરિંગની સુવિધા વિકસવાથી દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ક્લીનર મરીન ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવાની દિશામાં માળખું ઊભું થશે. આ પ્રોજેક્ટથી દરિયાઈ શિપિંગ ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા તેમજ આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં 3,500થી વધુ રોજગારીની તકો ઈ-મિથેનોલ પ્લાન્ટના કાર્યાન્વિત થવાથી સ્થાનિક સ્તરે 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની માહિતી આપવામાં આવી છે. એન્જિનિયર, ટેક્નિકલ વર્કફોર્સ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન, સપ્લાય ચેઇન સહિત વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોજેક્ટથી કચ્છની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે. ગુજરાત-આસામની ઔદ્યોગિક ભાગીદારી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ઈ-મિથેનોલ પ્રોજેક્ટને ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક સહયોગનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સોલાર, ગ્રીન હાઈડ્રોજન અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. તેમણે ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક તથા વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. ગ્રીન શિપિંગને મળશે વેગ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે ઈ-મિથેનોલ પ્લાન્ટથી ગુજરાત અને આસામ વચ્ચે ઔદ્યોગિક સંબંધ વધુ મજબૂત બનશે. ગ્રીન ફ્યુઅલનું સ્થાનિક સ્તરે ઉત્પાદન દરિયાઈ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બની શકે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમથી ગ્રીન શિપિંગ ક્ષેત્રે નવી તકો ઊભી થવાની શક્યતા છે. કચ્છમાં ગ્રીન એનર્જીનું નવું ઈકોસિસ્ટમ કંડલા વિસ્તારમાં ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્સના ઉત્પાદન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટે ઈકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ઈ-મિથેનોલ પ્રોજેક્ટને આ સમગ્ર ગ્રીન એનર્જી માળખાની મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ કચ્છના ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કચ્છમાં ઇન્ડસ્ટ્રી, પોર્ટ અને રિન્યુએબલ એનર્જી સાથે હવે ગ્રીન ફ્યુઅલનો નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને લાભની અપેક્ષા ઈ-મિથેનોલ પ્લાન્ટથી માત્ર ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે વેપાર, પરિવહન, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સહિતના ક્ષેત્રોમાં પણ પ્રવૃત્તિ વધવાની અપેક્ષા છે. કચ્છના સ્થાનિક યુવાનો અને ટેક્નિકલ વર્કફોર્સ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. આ પ્રોજેક્ટ ગ્રીન પોર્ટ્સ, ટકાઉ દરિયાઈ પરિવહન અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત

કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત Kutch Chief Minister Bhupendra Patel  ભુજ/કંડલા: 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. કંડલા એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ કચ્છ પધાર્યા હતા. બંને મહાનુભાવોનું કંડલા એરપોર્ટ પર ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઈ-મિથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણ ક્ષેત્રના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કચ્છમાં યોજાનાર આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કંડલા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના સ્વાગત પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના ચેરમેન બિકુલ ડેકા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, વેલસ્પનના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ ચિંતનભાઈ ઠાકર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસ દરમિયાન યોજાનારા શિલાન્યાસ કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. કચ્છમાં ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ વચ્ચે ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમને કારણે મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બન્યો છે. વધુ  સમાચારો  માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ટોપરાણી પરિવારનું ₹1.75 લાખનું અનુદાન

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ટોપરાણી પરિવારનું ₹1.75 લાખનું અનુદાન Mandvi news માંડવીમાં છેલ્લા 34 વર્ષથી અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા-મૂંગા સહિત દિવ્યાંગજનોના ઉત્કર્ષ તથા સેવાકીય કાર્યો માટે કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે રહેતા વતનપ્રેમી ટોપરાણી પરિવાર દ્વારા ₹1.75 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ દ્વારા જરૂરિયાતમંદ અને નાદુરસ્ત તબિયત ધરાવતા લોકો માટે ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી મારફતે ટોપરાણી પરિવારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ફોલ્ડિંગ પલંગ, હવાવાળા તથા પાણીવાળા ગાદલા, વ્હીલચેર, વોકર, લેટ્રીન માટેની ખુરશી, બંકોડા, યુરિન પોટ, કફ માટેના સ્યુટ તેમજ લેટ્રીન માટે કમોડ સહિતના સાધનો ટોકન ડિપોઝિટના ધોરણે વિનાભાડે ઉપયોગ માટે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રયત્નો અને પ્રેરણાથી ટોપરાણી પરિવારે સંસ્થાને ₹1.75 લાખનું અનુદાન આપ્યું હતું. આ રકમનો ચેક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના ભાઈ તથા સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને સહમંત્રી સુલતાનભાઈ મીરને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુકરભાઈ રાણા, શ્રીમતી સરોજબેન એમ. રાણા, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ, વર્તમાન પ્રમુખ દિનેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળે ટોપરાણી પરિવાર તથા પ્રેરણાદાતા ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ

માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ Mandvi News રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ નિમિત્તે વોટર કુલરનું લોકાર્પણ કરાયું કચ્છમાં છેલ્લા 28 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા દાતાના સહયોગથી માંડવીના વાલ્મિકી સમાજને ઠંડા પાણીનું વોટર કુલર ભેટ આપવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ દરમિયાન વોટર કુલર મળતાં વાલ્મિકી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે. મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે વસવાટ કરતા કચ્છ વતનપ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી)ના સહયોગથી માંડવીના કલવાણ રોડ પર ટેલિફોન એક્સચેન્જ સામે આવેલા વાલ્મિકી સમાજને આ વોટર કુલર ભેટ આપવામાં આવ્યું હતું. તા. 21 સપ્ટેમ્બર, સોમવારે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, કારોબારી સભ્ય તથા માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, કારોબારી સભ્ય તથા કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી તેમજ મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના હસ્તે વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી વાલ્મિકી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનહરભાઈ પરમાર અને મંત્રી વિજયભાઈ વાઘેલાએ વોટર કુલરનો સ્વીકાર કર્યો હતો. વાલ્મિકી સમાજના હોદ્દેદારોએ દાતા ટોપરાણી પરિવાર તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ માટે ઠંડા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં ખાસ કરીને મેળા મહોત્સવ સહિત વિવિધ પ્રસંગોએ આવતા લોકો માટે સુવિધા વધશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવી દ્વારા શિક્ષણની સિદ્ધિ બદલ મંજુલાબેન સંઘવીનું સન્માન

સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવી દ્વારા શિક્ષણની સિદ્ધિ બદલ મંજુલાબેન સંઘવીનું સન્માન Mandvi News પી.એચ.ડી.ની ડિગ્રી હાંસલ કરવા બદલ મંડળ દ્વારા અભિનંદન પાઠવાયા બંદરીય શહેર માંડવીમાં સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય મંજુલાબેન ભદ્રેશ સંઘવીએ પી.એચ.ડી.ની ડિગ્રી હાંસલ કરતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પિનાકિની સંઘવીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કુટુંબની જવાબદારીઓ અને નાની દીકરીની સંભાળ સાથે મંજુલાબેન સંઘવીએ રાયપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ બદલ તેમણે મંજુલાબેનને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના ખજાનચી ડૉ. પારુલબેન ગોગરીએ પણ મંજુલાબેનને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંજુલાબેનની સિદ્ધિથી તેમના પરિવારની સાથે મંડળ અને સમગ્ર જૈન સમાજનું નામ રોશન થયું છે. સન્માનના પ્રતિભાવમાં મંજુલાબેન સંઘવીએ પોતાની શૈક્ષણિક સિદ્ધિ પાછળ પરિવાર અને પતિ તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જૈન સમાજરત્ન તથા શિક્ષણવિદ દિનેશભાઈ શાહે પણ મંજુલાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પિનાકિની સંઘવી, ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનચી ડૉ. પારુલબેન ગોગરી, સલાહકાર સીમાબેન લાલન, ઉષાબેન શાહ, શોભાબેન સંઘવી, વર્ષાબેન શાહ, જેની સંઘવી, રાહુલ સંઘવી, ભદ્રેશ સંઘવી અને ગાર્ગી ગોગરી સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો  

Read More »

માંડવી તપગચ્છ જૈન સંઘ દ્વારા રવિવારે યાત્રા પ્રવાસનું આયોજન

માંડવી તપગચ્છ જૈન સંઘ દ્વારા રવિવારે યાત્રા પ્રવાસનું આયોજન Mandvi News દાતા પરિવારના સહયોગથી યોજાનાર યાત્રા પ્રવાસમાં શ્રાવક-શ્રાવિકાઓને કોઈ ચાર્જ નહીં શ્રી માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે દાતા પરિવારના સહયોગથી તા. 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા પ્રવાસના લાભાર્થી પરિવારો તરીકે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવાર તથા માતૃશ્રી શાંતીબેન ઈશ્વરલાલ શાહ (વિવિધા) પરિવાર જોડાયા છે. આ અંગે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, યાત્રા પ્રવાસ માટે સંઘનું પ્રસ્થાન 27 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યે માંડવીથી થશે. યાત્રા દરમિયાન સૌપ્રથમ સંઘ કટારીયા તીર્થ પહોંચશે, જ્યાં દર્શન-વંદન બાદ નવકારશી કરવામાં આવશે. ત્યારબાદ તપ પ્રભાવિકા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજીના વંદન કરવામાં આવશે. કટારીયાથી સંઘ ભચાઉ પહોંચશે, જ્યાં પરમ પૂજ્ય સાધુ ભગવંત શ્રી તીર્થહેમ મહારાજ સાહેબના વંદન કર્યા બાદ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી જીનદિક્ષાશ્રીજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી શ્રી જિનપ્રતિક્ષાશ્રીજી મહારાજ સાહેબના વંદન કરવામાં આવશે. ત્યારબાદ ગાંધીધામ ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે. ગાંધીધામથી સંઘ અંજાર પહોંચશે, જ્યાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિમલપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે. યાત્રાના અંતિમ તબક્કામાં સંઘ કચ્છના પાટનગર ભુજ પહોંચશે. ત્યાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદવર્ધન સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આત્મદર્શન સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રશ્મીરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાના વંદન કરવામાં આવશે. આ યાત્રા પ્રવાસમાં જોડાવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. દાતા પરિવારની ભાવના છે કે વધુમાં વધુ શ્રાવક-શ્રાવિકાઓ આ ધાર્મિક યાત્રામાં જોડાય અને તેનો લાભ લે. યાત્રામાં જોડાવા ઇચ્છુક શ્રાવક-શ્રાવિકાઓએ માંડવીની તપગચ્છ પેઢીમાં વહેલી તકે પોતાના નામ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દરશડીમાં વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ

દરશડીમાં વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ Mandvi News દરશડી તથા મમાયમોરા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ “આનંદ” તથા તેમના શિષ્યરત્ન પ.પૂ. ઓજસમુનિ “મંગલ” મ.સા.ની પાવન નિશ્રામાં વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે તથા દરશડી ગામના સમસ્ત સમાજના સહયોગથી વ્યસનમુક્તિના બેનર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં દરશડી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બેનર દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. દરશડી પ્રાથમિક શાળાના વિજેતાઓ દરશડી પ્રાથમિક શાળામાં પ્રથમ ત્રણ ક્રમમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાં: પ્રથમ: મહેશ્વરી રોતિકા પ્રેમજીભાઈ – ધોરણ 6 દ્વિતીય: બજાણીયા સોયાના મોહમ્મદભાઈ – ધોરણ 8 તૃતીય: મહેશ્વરી મિરલ દિનેશભાઈ – ધોરણ 7 દરશડી હાઈસ્કૂલના વિજેતાઓ દરશડી હાઈસ્કૂલમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં: પ્રથમ: મહેશ્વરી નાત્યા આતુભાઈ – ધોરણ 9 દ્વિતીય: મહેશ્વરી સાક્ષી દિનેશભાઈ – ધોરણ 11 તૃતીય: નાયકા સુનિતા – ધોરણ 11 મમાયમોરા પ્રાથમિક શાળાના વિજેતાઓ મમાયમોરા પ્રાથમિક શાળામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં: પ્રથમ: ઉકાણી જૈની જીગ્નેશભાઈ – ધોરણ 8 દ્વિતીય: જબુઆણી ક્રિષ્ના રજનીભાઈ – ધોરણ 7 તૃતીય: રબારી હિરલ આશાભાઈ – ધોરણ 6 આ અંગે વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડૉ. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જે. શાહ તથા મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે, સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્તિનો સકારાત્મક સંદેશ આપ્યો છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ.પૂ. નરેશમુનિ મ.સા., પ.પૂ. ઓજસમુનિ મ.સા., વ્યસનમુક્તિ અભિયાનના હોદ્દેદારો તેમજ દરશડી અને મમાયમોરા ગામના અગ્રણીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોગ શિબિર યોજાઈ

માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોગ શિબિર યોજાઈ Mandvi News સત્સંગ આશ્રમ ખાતે યોગપ્રેમી સાધકો મોટી સંખ્યામા જોડાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવીમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપૂતના નેતૃત્વ હેઠળ તથા ઝોન કો-ઓર્ડીનેટર સુશ્રી વંદનાબેન રાજાણીના આદેશ અને જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ તા 17 સપ્ટેમ્બરના રોજ સાંજે માંડવીના સત્સંગ આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ અપર્ણાબેન વ્યાસ, નગરપાલિકાના નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન મુછડીયા, એડવોકેટ ચંદાબેન જોશી તેમજ હોમગાર્ડઝ દળના સક્રિય સભ્ય જય મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામૃત્યુંજય મંત્રના સામૂહિક મંત્રોચ્ચાર સાથે યોગ શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે અપર્ણાબેન વ્યાસે યોગના મહત્વ તથા નિયમિત યોગાભ્યાસથી થતા વિવિધ ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગ ટ્રેનર ઈન્દુબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન અને જાહેર જીવનમાં તેમના કાર્ય અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રકાશિત ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શાલ ઓઢાડી મહાનુભાવોને સન્માનિત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન માંડવી તાલુકાના યોગ કોચ ગાયત્રીબેન જોશી અને કલ્પનાબેન કષ્ટાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેન જોશીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ કલ્પનાબેન કષ્ટાએ કરી હતી. યોગ શિબિરને સફળ બનાવવા યોગ ટ્રેનરો રંજનબેન સોની, ઈન્દુબેન પટેલ, સંગીતાબેન સોની, ક્રિષ્નાબેન જોશી, આરતીબેન પીઠડીયા, પ્રવિણાબેન ગઢવી તથા ભાવનાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી. માંડવી શહેરના યોગપ્રેમી સાધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ શિબિરમાં જોડાયા હતા. યોગ ટ્રેનર જયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન યોગપ્રત્યે લોકોમાં ઉત્સાહ અને સક્રિય ભાગીદારી જોવા મળી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »