
માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ટોપરાણી પરિવારનું ₹1.75 લાખનું અનુદાન
Mandvi news માંડવીમાં છેલ્લા 34 વર્ષથી અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા-મૂંગા સહિત દિવ્યાંગજનોના ઉત્કર્ષ તથા સેવાકીય કાર્યો માટે કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે રહેતા વતનપ્રેમી ટોપરાણી પરિવાર દ્વારા ₹1.75 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ દ્વારા જરૂરિયાતમંદ અને નાદુરસ્ત તબિયત ધરાવતા લોકો માટે ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી મારફતે ટોપરાણી પરિવારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા ફોલ્ડિંગ પલંગ, હવાવાળા તથા પાણીવાળા ગાદલા, વ્હીલચેર, વોકર, લેટ્રીન માટેની ખુરશી, બંકોડા, યુરિન પોટ, કફ માટેના સ્યુટ તેમજ લેટ્રીન માટે કમોડ સહિતના સાધનો ટોકન ડિપોઝિટના ધોરણે વિનાભાડે ઉપયોગ માટે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે.
ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રયત્નો અને પ્રેરણાથી ટોપરાણી પરિવારે સંસ્થાને ₹1.75 લાખનું અનુદાન આપ્યું હતું. આ રકમનો ચેક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના ભાઈ તથા સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને સહમંત્રી સુલતાનભાઈ મીરને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુકરભાઈ રાણા, શ્રીમતી સરોજબેન એમ. રાણા, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ, વર્તમાન પ્રમુખ દિનેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળે ટોપરાણી પરિવાર તથા પ્રેરણાદાતા ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.









