
સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, કોચની બારીનો કાચ તૂટતાં મુસાફરોમાં ફફડાટ
Vande Bharat Stone Pelting ગુજરાતમાં વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરત નજીક સચિન રેલવે સ્ટેશન પાસે અજાણ્યા શખસે ટ્રેન પર પથ્થર ફેંકતાં કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. આ બનાવને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ જ્યારે સચિન રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો કોચની બારીના કાચ સાથે અથડાતાં કાચને નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં રેલવે વિભાગ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે તપાસ શરૂ કરી હતી. ટ્રેન પર પથ્થર ફેંકનાર વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાલુ ટ્રેન પર પથ્થરમારો થવાની આવી ઘટનાઓ મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. હવે પોલીસ તપાસમાં આ કૃત્ય પાછળ કોણ જવાબદાર છે તે સ્પષ્ટ થશે.









