
કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર
Kulgam Encounter જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ પણ સામેલ છે.
મળતી માહિતી અનુસાર, કુલગામના લારૂ વિસ્તારમાં ભારતીય સેના, જમ્મુ–કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષાદળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા.
CRPF પરના હુમલા બાદ શરૂ થયું હતું ઓપરેશન
ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ કુલગામમાં CRPFની ચેકપોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનામાં સામેલ આતંકીઓને શોધવા માટે સુરક્ષાદળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન લતીફ ભટનું નામ સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ તેને આ હુમલાનો મુખ્ય સૂત્રધાર માની રહી હતી. તેના પર અગાઉ પણ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હોવાના આરોપ હતા.
આતંકવાદી સંગઠનને મોટો ફટકો
લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓ માર્યા જતાં આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ અને સુરક્ષા અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે.









