
ચારધામ યાત્રાનું થશે સમાપન! આજે રાત્રે 9:37 વાગ્યે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ
Badrinath Dham Closing 2026 ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ આજે, 16 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગીને 37 મિનિટે શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે. આ સાથે જ વર્ષ 2026ની ચારધામ યાત્રાનું સમાપન થશે.
ભગવાન બદ્રીવિશાલના દર્શન માટે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 23 એપ્રિલના રોજ યાત્રાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં 23 લાખથી વધુ ભક્તોએ ભગવાન બદ્રીનાથનાં દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
કપાટ બંધ થવાના અંતિમ દિવસે પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન બદ્રીવિશાલનાં અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શિયાળાની ઋતુ દરમિયાન બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા અને ઠંડીને કારણે મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન બદ્રીવિશાલની પૂજા તેમના શીતકાલીન ગાદી સ્થળે કરવામાં આવશે. હવે આગામી વર્ષે ફરીથી મંદિરના કપાટ ખૂલ્યા બાદ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળશે.









