માંડવીમાં જૈન સમાજની ફટાકડા બહિષ્કાર પ્રભાતફેરી યોજાઈ, 20 વર્ષથી જળવાઈ રહી છે પરંપરા

Share:

માંડવીમાં જૈન સમાજની ફટાકડા બહિષ્કાર પ્રભાતફેરી યોજાઈ, 20 વર્ષથી જળવાઈ રહી છે પરંપરા

Mandvi News ધનતેરસે યોજાયેલી પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા; કાળી ચૌદશ અને દિવાળીએ પણ યોજાશે જાગૃતિ અભિયાન

 

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ઉપયોગથી થતા અવાજ અને પર્યાવરણના નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી માંડવીમાં જૈન સમાજ દ્વારા છેલ્લા બે દાયકાથી ફટાકડા બહિષ્કાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પરંપરાને આગળ વધારતાં શુક્રવારે ધનતેરસના દિવસે પણ શહેરમાં જાગૃતિ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંડવીના જૈન જાગૃતિ સેન્ટરના આયોજન અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળની પ્રેરણાથી યોજાયેલી આ પ્રભાતફેરીનો પ્રારંભ મહાવીર સ્વામીના દહેરાસર પાસેથી કરવામાં આવ્યો હતો. માંડવી બે-નાતના તથા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે લીલી ઝંડી બતાવી પ્રભાતફેરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

 

કાર્યક્રમની શરૂઆતમાં પ.પૂ. સાધ્વીજી ભગવંત દિવ્યગીરાશ્રીજી મ.સા.એ માંગલિક સંભળાવી હતી. તેમણે ફટાકડા ફોડવાથી થતું નુકસાન અને તેની વિવિધ અસરો અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ફટાકડા નહીં ફોડવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી

પ્રભાતફેરીમાં જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા. ઢોલ-શરણાઈના નાદ સાથે શરૂ થયેલી આ રેલી શહેરના બહેરા-મૂંગા વિદ્યાલય, કંસારા બજાર, ડો. સ્ટ્રીટ, સાગરવાડી, વી.આર. રોડ અને છ-કોટી જૈન ધર્મસ્થાનક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ મણિભુવન ખાતે પૂર્ણ થઈ હતી.

 

રેલી દરમિયાન ‘ફટાકડાનો બહિષ્કાર‘, ‘એક દો તીન ચાર, ફટાકડાનો બહિષ્કાર‘ અને ‘પ્રભાતફેરી આવી છે, નવો સંદેશો લાવી છે‘ જેવા સૂત્રો દ્વારા નાગરિકોને ફટાકડાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી

 

પ્રભાતફેરીના માર્ગમાં વિવિધ દાતાઓ દ્વારા બાળકોને પ્રભાવના આપવામાં આવી હતી. આ ઉપરાંત રેલી પૂર્ણ થયા બાદ મણિભુવન ખાતે નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે માહિતી આપી હતી.

સમગ્ર આયોજનની જવાબદારી જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ દર્શનભાઈ શાહ, મંત્રી ચિંતનભાઈ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન મીક્ષિતાબેન દીપ વોરા અને ખુશ્બુબેન તેજસ શાહ સહિતની ટીમ દ્વારા સંભાળવામાં આવી રહી છે.

આ જાગૃતિ અભિયાન અંતર્ગત આગામી કાળી ચૌદશ અને દિવાળીના દિવસે પણ પ્રભાતફેરી યોજાશે. કાળી ચૌદશના દિવસે સવારે 6:45 કલાકે છાપરા શેરી સ્થિત માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રય પાસેથી પ્રભાતફેરીનું પ્રસ્થાન થશે.

છેલ્લાં 20 વર્ષથી સતત યોજાતી આ પ્રવૃત્તિ દ્વારા જૈન સમાજ અહિંસા, જીવદયા અને પર્યાવરણ જતનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें