
માંડવીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં બાળકોએ લીધો લાભ
Mandvi News માંડવી છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 12 વર્ષ સુધીની ઉંમરનાં બાળકોએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પ.પૂ. ભાસ્કરમુનિ મ.સા.ની પ્રેરણાથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. માંડવીના સોનાવાળા નાકા પાસે હરિકૃષ્ણા મોલની સામે આવેલા કિરણ ક્લિનિક ખાતે કેમ્પ યોજાયો હતો.
ડૉક્ટરે સુવર્ણપ્રાશન અંગે માહિતી આપી
કેમ્પના પ્રારંભે સેવા આપનાર ડૉ. જય કીર્તિભાઈ મહેતાએ ઉપસ્થિત વાલીઓને સુવર્ણપ્રાશન અંગે માહિતી આપી હતી. પુષ્ય નક્ષત્રના અવસરે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં 12 વર્ષ સુધીનાં બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં આપવામાં આવ્યાં હતાં.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હોવાનું માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. તેઓ આ સેવાકીય પ્રવૃત્તિમાં નિયમિત રીતે સહયોગ આપી રહ્યા છે.
દર મહિને નિઃશુલ્ક કેમ્પનું આયોજન
માંડવીમાં છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર મહિને સુવર્ણપ્રાશનના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સેવાકાર્યમાં ડૉ. જય કીર્તિભાઈ મહેતા પણ નિઃશુલ્ક તબીબી સેવા આપે છે.
સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ (લાકડાવાલા) અને ખજાનચી જયેશભાઈ જી. શાહે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે બાળકો અને તેમના વાલીઓને આવી સેવાકીય પ્રવૃત્તિનો લાભ મળે તે માટે સંઘ દ્વારા નિયમિત પ્રયાસો કરવામાં આવે છે.
આ આયોજન દ્વારા માંડવી વિસ્તારમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









