
રણોત્સવ 2026-27: ધોરડોમાં સ્ટોલ અને ફૂડ બજાર માટે અરજીઓ મંગાવાઈ, જાણો છેલ્લી તારીખ
Rann Utsav 2026 કચ્છના સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્થાનિક કળા, હસ્તકલા અને પરંપરાગત વાનગીઓનો અનુભવ કરાવવા માટે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2026-27ના રણોત્સવને ધ્યાનમાં રાખીને ધોરડો ખાતે ક્રાફ્ટ અને ફૂડ બજારમાં સ્ટોલ ફાળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
રણોત્સવ 2026-27 દરમિયાન ધોરડોમાં યોજાનારા ક્રાફ્ટ એન્ડ ફૂડ બજારમાં સ્ટોલ લગાવવા ઇચ્છુક કારીગરો, સરકારી વિભાગો, નિગમો અને વિવિધ સંસ્થાઓ અરજી કરી શકશે.
20 નવેમ્બર સુધી કરી શકાશે અરજી
સ્ટોલ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અરજદારો પોતાની અરજી રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી શકશે. આ ઉપરાંત ઈ-મેઇલ દ્વારા પણ અરજી કરવાની સુવિધા રાખવામાં આવી છે.
અરજી માટેનું ઈ-મેઇલ સરનામું: kutch@glpc.co.in
રણોત્સવની તારીખો જાહેર
રણોત્સવ 2026-27નું આયોજન 1 નવેમ્બર, 2026થી 7 માર્ચ, 2027 સુધી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કચ્છના સફેદ રણમાં દેશ–વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાતે આવવાની અપેક્ષા છે.
ક્રાફ્ટ અને ફૂડ બજાર સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને સંસ્થાઓ માટે પોતાની કળા, ઉત્પાદનો તથા પરંપરાગત વાનગીઓ રજૂ કરવાની તક બની શકે છે.









