
PM મોદીએ ફિલિપાઈન્સના સૌથી જૂના ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું, પુનઃવિકાસનું કર્યું ભૂમિપૂજન
PM Modi Manila Visit મનીલા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફિલિપાઈન્સના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેમણે મનીલા સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દીવાનની મુલાકાત લઈને પ્રાર્થના કરી હતી. આ ગુરુદ્વારાને ફિલિપાઈન્સના સૌથી જૂના ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારાના પુનઃવિકાસ કાર્યનો પ્રારંભ કરાવવા માટે શિલાન્યાસ વિધિમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પંજ પ્યારે સહિત શીખ સમુદાયના સભ્યો અને સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
100 વર્ષથી વધુ જૂનો છે ગુરુદ્વારો
મનીલામાં આવેલો ખાલસા દીવાન ગુરુદ્વારો શીખ સમુદાય માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. તેની સ્થાપના વર્ષ 1901માં થઈ હતી અને વર્ષ 1903માં તેને વ્યવસ્થિત સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ 1924માં તેનું ખાલસા દીવાન તરીકે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ ગુરુદ્વારો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતો સીમિત નથી, પરંતુ સામાજિક અને સેવાકીય કાર્યો દ્વારા પણ સ્થાનિક સમુદાય સાથે જોડાયેલો છે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો તેમજ વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથેના જોડાણને વધુ મહત્ત્વ આપે છે.









