
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીકાપ, 16 નવેમ્બરે સવાર બાદ પાણી પુરવઠો બંધ રહેશે
Ahmedabad Water Cut અમદાવાદના રહેવાસીઓ માટે પાણી પુરવઠા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ઉત્તર–પશ્ચિમ અને દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં પાણી વિતરણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમારકામની કામગીરીને કારણે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે છે.
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામગીરી
મળતી માહિતી મુજબ, જાસપુર ખાતે આવેલા 200 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટૂંકમેઈન લાઈનનું સમારકામ અને શિફ્ટિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે 16 નવેમ્બરના રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા શટડાઉન લેવામાં આવશે.
16 અને 17 નવેમ્બરે પાણી પુરવઠા પર અસર
શટડાઉનના કારણે 16 નવેમ્બરે સવારના પાણી વિતરણ બાદ સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જ્યારે 17 નવેમ્બરના રોજ ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે નાગરિકોને પાણી આપવામાં આવશે.
નાગરિકોને અગાઉથી તૈયારી રાખવા સૂચન
પાણી પુરવઠાની કામગીરીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવાની સલાહ આપવામાં આવે છે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ સામાન્ય થવાની અપેક્ષા છે.









