
ટેકઓફ પહેલાં જ ઇન્ડિગોના વિમાનનું એન્જિન બંધ, 67 મુસાફરો બે કલાક સુધી ફસાયા, સાંસદે DGCA સામે ઉઠાવ્યા સવાલ
DGCA દેશમાં હવાઈ મુસાફરીની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ઉડાન ભરતા પહેલાં જ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનનું એક એન્જિન બંધ થઈ જતાં આખરે ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે મુસાફરોમાં ચિંતા જોવા મળી હતી.
વિમાનનું એન્જિન અચાનક બંધ થયું
મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 7423 કોલકાતાથી શિલોંગ જવા માટે તૈયાર હતી. વિમાન પાર્કિંગ એરિયામાંથી રનવે તરફ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન ટેક્સીંગ કરતી વખતે વિમાન અચાનક અટકી ગયું હતું. તપાસ દરમિયાન તેનું એક એન્જિન બંધ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું.
આ વિમાનમાં ડીએમકેના રાજ્યસભા સાંસદ પી. વિલ્સન સહિત અન્ય ત્રણ સાંસદો અને 67 મુસાફરો સવાર હતા. તમામ લોકો સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની જાહેર સુનાવણીમાં ભાગ લેવા માટે શિલોંગ જઈ રહ્યા હતા.
બે કલાક સુધી વિમાનમાં જ રાહ જોવી પડી
એન્જિનમાં ખામી સર્જાયા બાદ મુસાફરોને લગભગ બે કલાક સુધી વિમાનની અંદર રાહ જોવી પડી હતી. ત્યારબાદ પાયલટે ટેકનિકલ ખામી અંગે જાણકારી આપીને ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરી હતી.
આ ઘટનાની જાણકારી સાંસદ પી. વિલ્સને સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. તેમણે વિમાનની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
સાંસદે DGCAની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
ઘટના બાદ પી. વિલ્સને નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા DGCAની કામગીરી અંગે સવાલો કર્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો વિમાનમાં આવી ટેકનિકલ ખામી હતી, તો તેને ઉડાન માટે યોગ્ય હોવાનું પ્રમાણપત્ર કેવી રીતે મળ્યું?
સાંસદે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.
દેશનાં વિમાનોની સુરક્ષા તપાસવાની માંગ
પી. વિલ્સને DGCAને દેશભરમાં કાર્યરત વિમાનોના એરવર્ધિનેસ સર્ટિફિકેટની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ અચાનક તપાસ હાથ ધરવાની પણ માગણી કરી છે.
તેમણે જણાવ્યું કે જો કોઈ વિમાન ઉડાન માટે યોગ્ય ન હોય તો તેનું પ્રમાણપત્ર રદ કરીને તેને ઉડાનથી દૂર રાખવું જોઈએ. મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં.
હાલ આ ઘટનામાં એન્જિન બંધ થવાનું ચોક્કસ કારણ અને કોઈ નિયમનકારી બેદરકારી હતી કે નહીં તે અંગે સત્તાવાર તપાસની વિગતો સામે આવવાની બાકી છે.










One Response