
માંડવીમાં શ્રી જગન્નાથજીના બલી-બામન વેશના સાહાણમેળા દર્શન યોજાયા
માંડવીના કાંઠાવારા નાકા પાસે આવેલ શ્રીશંખક્ષેત્ર-શ્રીજગન્નાથપુરી ચોક સ્થિત જગન્નાથપીઠ ખાતે મહાપ્રભુ શ્રી જગન્નાથજીના બલી-બામન વેશના સાહાણમેળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે માંડવી નગર સેવા સદનના કાઉન્સિલરો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સભ્યો સહિત માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા નવા નિમાયેલા નગર અધ્યક્ષ વર્ષાબેન વિનેશ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીઉના બલી-બામન વેશમાં આરતી કરી અને દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શ્રીજીઉ સમીપે ભક્તવૃંદ સમક્ષ શ્રીશંખક્ષેત્ર-જગન્નાથપુરી તીર્થધામ તથા જગન્નાથ પ્રભુના મહિમાનું ગાન કર્યું હતું.
બલી-બામન વેશના દર્શનથી ભક્તોમાં ભક્તિભાવ છવાયો હતો. કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવો અને આગેવાનોનું પીળા રંગના ઉપરણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સાહાણમેળા દર્શન દરમિયાન મોટી સંખ્યામાં માંડવી નગરજનોએ જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ‘હરિબોલ’ અને ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ અંગે ઉત્સવના મુખ્ય આયોજક રવિન્દ્ર વી. સોલંકી (રવિભાઈ જગન્નાથપુરી ઓરિસ્સાવાળા)ની યાદીમાં જણાવાયું હતું.









