
બે વર્ષ બાદ QUADની મહત્વપૂર્ણ બેઠક, મનીલામાં મોદી અને ટ્રમ્પ સહિત ચાર દેશોના નેતાઓની મુલાકાત
QUAD ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આજે 17 નવેમ્બર, મંગળવારે QUAD દેશોના નેતાઓની મહત્વપૂર્ણ શિખર બેઠક યોજાવાની છે. લગભગ બે વર્ષ બાદ યોજાનારી આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ભાગ લેશે.
આ બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા, દરિયાઈ માર્ગોની સલામતી અને વૈશ્વિક વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન, વેપાર અને નવી ટેક્નોલોજી જેવા મુદ્દાઓ બેઠકના મુખ્ય એજન્ડામાં રહેશે.
ચીન પર રહેશે વિશ્વની નજર
હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે આ બેઠકને રાજદ્વારી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. QUAD દેશો દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોને સુરક્ષિત બનાવવા માટે પરસ્પર સહયોગ મજબૂત કરવા પ્રયાસ કરશે.
જોકે, QUAD દેશોનું કહેવું છે કે આ સંગઠન કોઈ એક દેશ વિરુદ્ધ રચાયેલું નથી, પરંતુ હિંદ–પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો તેનો હેતુ છે.
2024 બાદ પ્રથમ વખત નેતાઓ મળશે
QUAD દેશોના નેતાઓની છેલ્લી શિખર બેઠક સપ્ટેમ્બર 2024માં અમેરિકાના ડેલાવેર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ હવે મનીલામાં ચારેય દેશોના નેતાઓ ફરી એકસાથે મળશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સંયુક્ત નિવેદન પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે.









