
સલાયા ગ્રુપ શાળા નંબર-1ના બાળ વૈજ્ઞાનિકોનો વિજ્ઞાન મેળામાં ડંકો, વિભાગ-3માં મેળવ્યો પ્રથમ ક્રમ
સલાયા ગ્રુપ શાળા નંબર-1ના બાળ વૈજ્ઞાનિકોનો વિજ્ઞાન મેળામાં ડંકો, વિભાગ-3માં મેળવ્યો પ્રથમ ક્રમ Salaya School, Mandvi News 14મી વખત જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં માંડવી તાલુકાનું કરશે પ્રતિનિધિત્વ કચ્છના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. માંડવી તાલુકાની સલાયા ગ્રુપ શાળા નંબર-1ના વિદ્યાર્થીઓએ બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સફળતા સાથે શાળા સતત 14મી વખત જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં માંડવી તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિકો સોઢા કાસમ અને ભુસર મામદઅલીએ વિભાગ-3માં પોતાની વિજ્ઞાન કૃતિ રજૂ કરી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક ડૉ. ચિરાગ વાસુદેવભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી કૃતિને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે, માર્ગદર્શક શિક્ષક ડૉ. ચિરાગભાઈ રાવલ અત્યાર સુધીમાં 14 વખત રાજ્ય કક્ષાએ અને 2 વખત રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ભાગ લઈ ચૂક્યા છે. તેમના અનુભવ અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં મદદ મળી રહી છે. માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, શિક્ષકનું સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનત સફળતાનો મુખ્ય આધાર છે. શાળાની આ સિદ્ધિ બદલ આચાર્ય કાસમભાઈ નોડે, ગામના અગ્રણીઓ તેમજ પંથકના શ્રેષ્ઠીઓએ બંને બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો