ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો

Share:

ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો

Gandhidham Seva Setu  સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા 12 તબક્કાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી
ગાંધીધામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સરકારી વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તેની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ અનેક લાભાર્થીઓને PM આવાસ યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓ હેઠળ સહાયના હુકમો અને મંજૂરી પત્રોનું સ્થળ પર જ વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય પણ આપવામાં આવી હતી.
‘સરકાર તમારા દ્વારે’ના સંકલ્પ સાથે 56થી વધુ સેવાઓ
સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડમાં સુધારા, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની 56થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. અનેક અરજીઓ અને પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા લાભાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

‘છેલ્લા માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તે સંકલ્પ’
લાભાર્થીઓ સાથે સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર લોકો સુધી પહોંચીને તેમના કામોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને કોઈ નાગરિક સરકારી સેવાથી વંચિત ન રહે તે સરકારનો સંકલ્પ છે. એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી નાગરિકોને સરળતા રહે છે.

મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત
કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે અને વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરું, કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें