
માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોગ શિબિર યોજાઈ
Mandvi News સત્સંગ આશ્રમ ખાતે યોગપ્રેમી સાધકો મોટી સંખ્યામા જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવીમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપૂતના નેતૃત્વ હેઠળ તથા ઝોન કો-ઓર્ડીનેટર સુશ્રી વંદનાબેન રાજાણીના આદેશ અને જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ તા 17 સપ્ટેમ્બરના રોજ સાંજે માંડવીના સત્સંગ આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ અપર્ણાબેન વ્યાસ, નગરપાલિકાના નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન મુછડીયા, એડવોકેટ ચંદાબેન જોશી તેમજ હોમગાર્ડઝ દળના સક્રિય સભ્ય જય મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામૃત્યુંજય મંત્રના સામૂહિક મંત્રોચ્ચાર સાથે યોગ શિબિરનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે અપર્ણાબેન વ્યાસે યોગના મહત્વ તથા નિયમિત યોગાભ્યાસથી થતા વિવિધ ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગ ટ્રેનર ઈન્દુબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન અને જાહેર જીવનમાં તેમના કાર્ય અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રકાશિત ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શાલ ઓઢાડી મહાનુભાવોને સન્માનિત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન માંડવી તાલુકાના યોગ કોચ ગાયત્રીબેન જોશી અને કલ્પનાબેન કષ્ટાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગાયત્રીબેન જોશીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ કલ્પનાબેન કષ્ટાએ કરી હતી.
યોગ શિબિરને સફળ બનાવવા યોગ ટ્રેનરો રંજનબેન સોની, ઈન્દુબેન પટેલ, સંગીતાબેન સોની, ક્રિષ્નાબેન જોશી, આરતીબેન પીઠડીયા, પ્રવિણાબેન ગઢવી તથા ભાવનાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.
માંડવી શહેરના યોગપ્રેમી સાધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ શિબિરમાં જોડાયા હતા. યોગ ટ્રેનર જયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન યોગપ્રત્યે લોકોમાં ઉત્સાહ અને સક્રિય ભાગીદારી જોવા મળી હતી.









