મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના

Share:

મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના

Navratri Festival 11થી 19 ઓક્ટોબર દરમિયાન ગુંદાલા રોડ પર યોજાશે નવરાત્રી મહોત્સવ, વિશાલ ગઢવી, વંદના ગઢવી સહિતના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે

કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.‍ ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીને સંગ’ના સૂત્ર સાથે યોજાનારા આ મહોત્સવમાં ગરબા, રાસ અને ભજનો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ ગીતો વિના પરંપરાગત અને ધાર્મિક ગીતો સાથે ગરબાનું આયોજન કરાયું છે.

થોડા સમય પહેલાં મુન્દ્રા તાલુકાના શિરાચા ગામ નજીક ભવ્ય કથાનું આયોજન કરનાર અદાણી ફાઉન્ડેશન દ્વારા હવે મુન્દ્રા તાલુકા સહિત સમગ્ર કચ્છના ગરબા પ્રેમીઓને જોડવાના ઉદ્દેશ્યથી આ વિશાળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 11થી 19 ઓક્ટોબર દરમિયાન દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન થશે. આ મહોત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.

મુન્દ્રાના શાંતિવન ખાતે પત્રકાર પરિષદ યોજીને અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ જયદીપ શાહ, રમેશ મહેશ્વરી અને અદાણી ફાઉન્ડેશનના કિશોર ચાવડાએ મહોત્સવ અંગેની વિગતો આપી હતી. આ પ્રસંગે મહોત્સવમાં જોડાનારા કલાકારોએ પણ ઉત્સાહ વ્યક્ત કરી વધુમાં વધુ લોકો માતાજીની આરાધનામાં જોડાય તેવી અપીલ કરી હતી.

મુન્દ્રાના ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ મલ્ટીપ્લેક્સની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાનારા આ મહોત્સવમાં વિશાલ ગઢવી, વંદના ગઢવી, જીગ્નેશ ગઢવી, દેવલ ગઢવી સહિતના જાણીતા કલાકારો પોતાની રજૂઆતથી ગરબા પ્રેમીઓને ઝૂમાવશે.

પરંપરાગત ગરબા, રાસ અને ભક્તિ સંગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા આ નવરાત્રી મહોત્સવમાં મુન્દ્રા સહિત કચ્છભરના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें