
દરશડી ગામે વ્યસનમુક્તિ માટે જંગી રેલી, 1000થી વધુ લોકો જોડાયા
Mandvi News માંડવી તાલુકાના દરશડી ગામે જૈન સંતોની પાવન નિશ્રામાં વ્યસનમુક્તિના પ્રચાર-પ્રસાર માટે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં દરશડી તથા મમાયમોરા ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને ગ્રામજનો સહિત અંદાજે 1,000 લોકો જોડાયા હતા.
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન તથા વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ અને તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઓજસમુની ‘મંગલ’ મહારાજ સાહેબ ચાતુર્માસ નિમિત્તે દરશડી ગામે બિરાજમાન છે.
તેમની પાવન નિશ્રામાં યોજાયેલી રેલી દરમિયાન ‘વ્યસનમુક્તિ’ના બેનરો સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને કારણે સમગ્ર ગામમાં રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલી દ્વારા સમાજમાં વ્યસનથી દૂર રહેવા અને યુવા પેઢીને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે રેલીમાં દરશડી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષક સ્ટાફ અને ગ્રામજનો સહિત આશરે એક હજાર લોકો જોડાયા હતા.
રેલી પૂર્ણ થયા બાદ દાતા માતૃશ્રી દેવકાબેન રામજી કકા તરફથી તથા અમૃતબેન દામજી રામજી કકા અને વનિતાબેન લેક્ષ નાગડા (ભોજાય, તા. માંડવી)ના સહયોગથી બાલભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી ધોરણ-12 સુધીના તમામ બાલક-બાલિકાઓએ ભોજનનો લાભ લીધો હતો.









