
કચ્છમાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદી ધમાકો! ભુજ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર ઝાપટાં
Kutch Rain કચ્છમાં ચોમાસાની વિદાયના સંકેતો વચ્ચે રવિવારની સાંજે અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ સાંજ પડતાં કચ્છના વિવિધ વિસ્તારોમાં પવન, વીજળી અને વરસાદી ઝાપટાંનું આગમન થયું હતું. ભુજ, રાપર, ભચાઉ, ગાંધીધામ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
હવામાનમાં આવેલા આ પલટા પાછળ સ્થાનિક હવામાન પ્રણાલી સક્રિય થવાનું કારણ હોવાનું જણાવાયું હતું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સુધી પહોંચતાં ઉકળાટનો અનુભવ થયો હતો. જોકે, સાંજ બાદ વાતાવરણ અચાનક બદલાયું અને અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
ભુજમાં વીજળીના કડાકા સાથે વરસાદ
Kutch Rain જિલ્લા મથક ભુજમાં રાત્રિના સમયે વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદી ઝાપટું શરૂ થયું હતું. શરૂઆતમાં હળવા છાંટા પડ્યા બાદ વરસાદે જોર પકડ્યું હતું. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું.
માધાપર, કુકમા, ભુજોડી સહિત ભુજ તાલુકાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પવન અને વીજળીનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાપર અને વાગડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ
રાપર તાલુકામાં સાંજના સમયે અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બાલાસર સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ થતાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
ટીંડલવા, કીડિયાનગર, કાનપર, બાલાસર, જાટાવાડા, લોદ્રાણી, રાસાજી ગઢડા, ધબડા અને બેલા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.
Kutch Rain વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખરીફ પાક બાદ હવે રવી પાક માટે પણ જમીનમાં ભેજ અને પાણીનો લાભ મળવાની આશા ખેડૂતોમાં વધી છે.
ગાંધીધામ સંકુલમાં પણ પવન સાથે વરસાદ
ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગાંધીધામ, આદિપુર, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી અને શિણાય સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું.
કેટલાક દિવસના વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક આવી હતી. ગણેશ વિસર્જનના માહોલ વચ્ચે પડેલા વરસાદે લોકોને પણ રાહતનો અનુભવ કરાવ્યો હતો.
નખત્રાણા, મુંદરા અને માતાના મઢમાં પણ વરસાદ
કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. નખત્રાણા તાલુકાના જતાવીરા, ધામાય, લાલકા, રવાપર, ફાચરિયા અને હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
Kutch Rain મુંદરામાં રાત્રિના સમયે પવન અને વીજળી સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. થોડા સમયના વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
માતાના મઢ વિસ્તારમાં પણ રાત્રિના સમયે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ભુજમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી
ભુજમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મુંદરા બાયપાસ તરફ જતા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષને કાપીને માર્ગ પરથી હટાવ્યું હતું. ત્યારબાદ રસ્તા પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
ચોમાસાની વિદાય પહેલાં કચ્છમાં ફરી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાંથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, વિદાય પહેલાં સ્થાનિક હવામાન પ્રણાલીના કારણે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં છે.
વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી રવી સિઝન માટે જમીનમાં ભેજ અને પાણીનો લાભ મળવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો









