
માંડવીના જૈન આશ્રમને શિક્ષિકાની અનોખી ભેટ, 300 લીટરનો ફ્રીઝ અર્પણ
Mandvi News માંડવીના મેઘજી સોજપાલ જૈન આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી એક શિક્ષિકાએ સેવાભાવી પહેલ કરી છે. માંડવીની શિક્ષિકા શ્રીમતી દિપાલીબેન કુમારપાળ શાહે આશ્રમને 300 લીટરનો ફ્રીઝ ભેટ આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સેવા કાર્ય નિવૃત્ત શિક્ષિકા સ્વ. કુસુમબેન હેમેન્દ્રભાઈ શાહની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. દિપાલીબેન શાહ દ્વારા આપવામાં આવેલા ફ્રીઝથી આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળશે.
દિપાલીબેન કુમારપાળ શાહ હાલમાં માંડવી શહેરની પ્રો. કે.ટી. શાહ પ્રાથમિક શાળા (મસ્કા ઓકટ્રોય પ્રાથમિક શાળા)માં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે સ્વ. કુસુમબેન હેમેન્દ્રભાઈ શાહ જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની શાળા નં. 4 એટલે કે ટોપરાણી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષિકા હતાં.
આ સેવાકીય પ્રવૃત્તિ અંગે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોની સુવિધામાં વધારો થાય તે માટે કરવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય છે.
આ પ્રસંગે દાતા દિપાલીબેન કુમારપાળ શાહ સાથે શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ જૈન, શ્રીમતી પૂર્વીબેન જીગરભાઈ જૈન, દિપેશભાઈ પી. શાહ અને દિપેશભાઈ દોશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મેઘજી સોજપાલ જૈન આશ્રમના મેનેજર અનિલભાઈ ટાંકે આશ્રમ માટે ફ્રીઝ ભેટ આપનાર દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમમાં રહેતા દિવ્યાંગોની સુવિધા માટે કરવામાં આવેલી આ પ્રકારની સેવાભાવી કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
સેવા અને માનવતાનો આ સંદેશ સમાજમાં અન્ય લોકોને પણ જરૂરિયાતમંદોની મદદ માટે પ્રેરણા આપે છે.









