
કચ્છમાં સર્પદંશના કેસો અંગે આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, 24 કલાકમાં જાણ કરવી પડશે
Kutch News કચ્છ જિલ્લામાં સર્પદંશના બનાવો અને તેના કારણે થતાં મૃત્યુની માહિતી સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. હવે જિલ્લાના તમામ સરકારી અને ખાનગી દવાખાનાં, હોસ્પિટલો તેમજ ક્લિનિક્સે સર્પદંશના દરેક કેસની ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.
સર્પદંશના દરેક કેસની નોંધણી અનિવાર્ય
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 22 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા જાહેરનામાના અનુસંધાને કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ આરોગ્ય સંસ્થાઓને જરૂરી સૂચનાઓ આપી છે.
આ સૂચના અનુસાર, સર્પદંશનો શંકાસ્પદ અથવા સંભવિત કેસ સામે આવે કે દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવે ત્યારથી શક્ય હોય ત્યાં સુધી 24 કલાકની અંદર તેની જાણ કરવાની રહેશે.
આ ઉપરાંત, સર્પદંશના તમામ કેસો અને તેના કારણે થતાં મૃત્યુની નોંધણી ભારત સરકારના IHIP પોર્ટલ પર 100 ટકા કરાવવી ફરજિયાત રહેશે.
સમયસર માહિતીથી આરોગ્ય સેવાઓને મળશે મદદ
સર્પદંશના કેસોની નિયમિત નોંધણી થવાથી જિલ્લામાં આવા બનાવોની વાસ્તવિક સ્થિતિનો અંદાજ મેળવી શકાશે. કયા વિસ્તારોમાં સર્પદંશના બનાવો વધુ બને છે અને તેની અસર કેટલી છે તે અંગેની માહિતી એકત્ર કરવામાં પણ મદદ મળશે.
આ માહિતીના આધારે આરોગ્ય વિભાગને કેસો પર નજર રાખવા, જોખમી વિસ્તારો ઓળખવા અને જરૂરિયાત મુજબ જાહેર આરોગ્ય સંબંધિત પગલાં લેવા માટે મદદ મળી શકશે.
તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓને સૂચના
કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને આ સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે. સર્પદંશના દરેક કેસની સમયસર નોંધણી થાય અને કોઈ કેસ નોંધણીમાંથી બાકી ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.
સર્પદંશના બનાવોમાં યોગ્ય સમયે તબીબી સારવાર મેળવવી અત્યંત જરૂરી છે. તેથી સાપ કરડે ત્યારે ઘરગથ્થુ ઉપચાર કે અંધશ્રદ્ધા પર આધાર રાખવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ.








