ભુજમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ સભા: PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ લેવાયો

Share:

ભુજમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ સભા: PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ લેવાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સુશાસનના 25 વર્ષની ઉજવણી અંતર્ગત ભુજની લાલન કોલેજ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે વર્ષ 2047 સુધી ભારતને ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના સંકલ્પ સાથે નાગરિકોને જોડાવા આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કચ્છના ભૂકંપ બાદ થયેલા પુનઃનિર્માણ અને વિકાસને યાદ કરતાં જણાવ્યું હતું કે, કચ્છની પુનઃનિર્માણની શક્તિ તેમના જાહેર જીવનની મોટી પ્રેરણા રહી છે.

આ પ્રસંગે પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયુષ્માન ભારત સહિતની યોજનાઓથી લાભાર્થીઓને મળતી આરોગ્ય અને સામાજિક સુરક્ષા અંગે વાત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું.

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ નાગરિકોને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા શપથ લઈને પોતાના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, ભુજ નગરપતિ શીતલભાઈ શાહ, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ભાજપના આગેવાનો દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ તેમજ કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સૂંડા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें